@વિશ્વાસ ભોજાણી, મંતવ્ય ન્યૂઝ – ગોંડલ
ગોંડલ નગરપાલિકાનાં ચીફ ઓફિસર તેમજ સર્વેયરને આર.ટી.આઈ.ની માહિતી ન આપવા બાબતે એક શખ્સે પાલિકાએ આવી ચીફ ઓફિસરની ઓફિસમાં ગાળો બોલી ટાટિયા ભાંગી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
બનાવ અંગેની પોલીસ ફરિયાદ નગરપાલિકામાં સતત 29 વર્ષથી સર્વેયર તરીકે ફરજ બજાવતાં બિમલકુમાર રમણીકભાઈ જેઠવા દ્વારા કૈલાશ બાગ સોસાયટીમાં રહેતા આશિષ રસિકભાઈ કુંજડીયા વિરુદ્ધ નોંધાવવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, આશિષ કુંજડીયા ચીફ ઓફિસર એચ કે પટેલની ઓફિસમાં ધસી આવ્યા હતા અને ઝઘડો કરવા લાગ્યા હતા કે તમારા તરફથી આર.ટી.આઈ.ની માહિતી ક્યારેય આપવામાં આવતી નથી, આ વ્યાજબી થતું નથી. ઉપવાસ ધરણા કરીશું પાલિકા દ્વારા થતા કામકાજમાં તમારા બંનેની ભાગ બટાઈ છે તેવા આક્ષેપો કરી ઓફિસની બહાર નીકળો એટલે ટાંટિયા ભાંગી નાખું જેવી ધમકી આપી હતી. શહેર પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.