પંચમહાલ જિલ્લામાં આવતીકાલથી શરૂ થનારા સુશાસન સપ્તાહ (ગુડ ગર્વન્સ વીક)ની ઉજવણી નિમિત્તે ગોધરા સ્થિત સરદાર નગર ખંડ ખાતે યોજાનારા જિલ્લા કક્ષાના આ કાર્યક્રમ સંદર્ભમાં જિલ્લા વહીવટી તંત્રના સત્તાધીશો દ્વારા તૈયાર કરવામાં આવેલ નિમંત્રણ પત્રિકામાં એકમાત્ર સમારંભના અધ્યક્ષ પદે રાજયકક્ષાના મંત્રી નિમિષાબેન સુથાર ના નામનો ઉલ્લેખ કરીને અન્ય પદાધિકારીઓની બાદબાકી કરાતા સુશાસન સપ્તાહની ઉજવણીનો આ આનંદ ખુદ સત્તાધારી ભા.જ.પ.ના સમૂહમાં કચવાટોના ગણગણાટમાં પ્રસરી ગયો હોવાની ચર્ચાઓ શરૂ થવા પામી છે.
ભારતના વડાપ્રધાન સ્વ. અટલ બિહારી બાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે રાજયભરમાં સુશાસન સપ્તાહની ઉજવણી નિમિત્તે આવતીકાલે ગોધરા સરદાર નગર ખંડ ખાતે જિલ્લા કક્ષાના યોજાનારા આ સુશાસન સપ્તાહના તૈયાર કરવામાં આવેલા આ સરકારી કાર્યક્રમના નિમંત્રણમાં સમારંભના અધ્યક્ષ તરીકે રાજયકક્ષાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણના મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારને સ્થાન આપીને નિમંત્રક તરીકે પંચમહાલ કલેક્ટર અને પંચમહાલ વિકાસ અધિકારી આ બન્ને હોદ્દાઓના નામો લખવામાં આવ્યા છે અને અધિકારીઓના નામોનો ઉલ્લેખ નથી.!!
સૌથી વધુ ગંભીર આશ્ચર્ય આપતી આ જિલ્લા કક્ષાની ઉજવણીના કાર્યક્રમના આ નિમંત્રણ માંથી ચૂંટાયેલા અન્ય પદાધિકારીઓ જેવા કે સાંસદ સભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યો ના નામોની સંપૂર્ણ બાદબાકીઓ સાથેના આ નિમંત્રણ ના પગલે સત્તાધારી ભા.જ.પ.ના સુશાસન સપ્તાહ પર્વ ઉજવણી માટેનો આનંદ અંદરખાને કચવાટમાં પ્રસરી જવા પામ્યો હોવાની ચર્ચાઓમાં સૌ કોઈ એક મેકને પૃચ્છાઓ કરી રહયા છે પરંતુ ખુદ સત્તાધારી ભા.જ.પ.ના પદાધિકારીઓની બાદબાકી કરતા આ નિમંત્રણ કાર્ડ સંદર્ભમાં સચ્ચાઈનો જવાબ કોઈની પાસે નથી.!!