રવિ ખખ્ખર,વેરાવળ@ મંતવ્ય ન્યૂઝ
આજરોજ કૃષિમંત્રી આર.સી.ફળદુએ ગીર સોમનાથ જિલ્લામાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત થયેલા કૃષિ અને બાગાયતી ખેતી વિસ્તારોની મુલાકાત લઇ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. રાજ્ય સરકાર ખેડૂતોની પડખે હોવાનું જણાવેલ હતું.
રાજ્યના કૃષિમંત્રી ફળદુએ આજે વાવાઝોડાથી અસરગ્રસ્ત બનેલા ઉના, ગીરગઢડા અને તાલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી. જેમાં કૃષિ મંત્રી ફળદુએ ઉના ગીર ગઢડા અને આકોલવાડી વિસ્તારોમાં વાવાઝોડાથી આંબા, નાળિયેરી સહિતના અન્ય બાગાયતી પાકો અને ખેતી વાડી વિસ્તારના પાકોમાં થયેલા નુકસાન અંગેની માહિતી મેળવી હતી.
કૃષિ વિસ્તારોમાં થયેલા નુકશાન અંગે ખેડૂતો સાથે સંવાદ કરીને કૃષિ મંત્રીએ કહેલ કે, આપત્તિના સમયમાં રાજ્ય સરકાર ખેડૂતોની સાથે છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં કૃષિ ક્ષેત્રે થયેલા નુકશાન અંગેના તાત્કાલિક સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર ખેડૂતોની પડખે ઉભી છે અને તાત્કાલીક સર્વે કરીને નિયમાનુસાર મદદ સહાય માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ આ વિસ્તારની મુલાકાત લઇ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ગ્રામજનો સાથે પણ સંવાદ કરીને ખેડૂતો તેમજ ગ્રામજને થયેલા નુકશાન અંગે મદદની કામગીરી માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સોમનાથ જિલ્લામાં યુદ્ધના ધોરણે સર્વેની અને રાહત બચાવની કામગીરી વિવિધ ટીમો બનાવીને કરવામાં આવી રહી છે. અને મંત્રી ફળદુની સાથે ખેતીવાડી અધિકારી એસ.બી. વાઘમશી અને અન્ય અધિકારીઓ રહ્યા હતા.