કાશ્મીરમાં નાગરિકોની હત્યાઓની આતંકવાદી ઘટનાઓમાં વધારાને ધ્યાનમાં રાખીને સરકારે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો ના 5,500 થી વધુ વધારાના જવાનોને (55 કંપનીઓ) ખીણમાં મોકલવામાં આવ્યા છે.
અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે કાશ્મીરમાં સુરક્ષા વધારવા અને પર દળોની તૈનાતી વધારવાની વ્યૂહરચનાના ભાગરૂપે CAPFની નવી કંપનીઓને ઘાટીમાં મોકલવામાં આવી છે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગયા મહિને નિર્દેશ આપ્યો હતો કે નાગરિકોની હત્યાઓને ધ્યાનમાં રાખીને કાશ્મીર ઘાટીમાં કેન્દ્રીય દળોની લગભગ 55 નવી કંપનીઓ તૈનાત કરવામાં આવશે,આમાં 25 કંપનીઓ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની છે અને બાકીની બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની છે. CAPF કંપનીમાં લગભગ 100 કર્મચારીઓ છે.
CRPF કાશ્મીરની ઉનાળાની રાજધાની શ્રીનગર અને ખીણના અન્ય ભાગોમાં નિયમિત તૈનાતમાં લગભગ 60 બટાલિયન (દરેક લગભગ 1000 જવાનો) સાથે જમ્મુ અને કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થા અને આતંકવાદ વિરોધી ફરજો માટે વ્યાપકપણે તૈનાત છે.
જમ્મુ અને કાશ્મીરમાં 1 ઓક્ટોબરથી નાગરિકોને નિશાન બનાવામાં આવી રહ્યા છે. ગોળીબારમાં ઓછામાં ઓછા 14 લોકોએ જીવ ગુમાવ્યા છે. માર્યા ગયેલા લોકોમાંથી પાંચ બિહારના મજૂરો હતા, જ્યારે બે શિક્ષકો સહિત ત્રણ લોકો કાશ્મીરના હિંદુ-શીખ સમુદાયના હતા.
સીઆરપીએફ અને અન્ય સુરક્ષા દળો દ્વારા સંયુક્ત ઓપરેશન દરમિયાન આ વર્ષે કેન્દ્રશાસિત પ્રદેશમાં કુલ 112 આતંકવાદીઓ માર્યા ગયા અને અન્ય 135ની ધરપકડ કરવામાં આવી છે.