રાજ્યમાં ૧૭૦૦૦ થી વધુ સ્થળોએથી કુલ ૭૧ લાખ પરિવારો એટલે કે આશરે ૩.૫ કરોડ લોકોને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ : વિજયભાઈ રૂપાણી
ગુજરાત સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાઈ રહેલા વિવિધ સેવાકીય કાર્યો અને જુદાજુદા વિકાસલક્ષી કામોના લોકાર્પણ અને ખામુહુર્તના સિલસિલા હેઠળ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે તા. ૦૩/૦૮૨૦૨૧ના રોજ સવારે ૧૧.૦૦ વાગ્યાથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સ્થળોએ “અન્નોત્સવ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
વર્ચ્યુંઅલી ઉપસ્થિત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના વક્તવ્યમાં એમ કહ્યું હતું કે, દેશમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા મુજબ અંત્યોદય અને અન્ય જરૂરીયાતમંદ ગરીબોને કોરોના કાળની માફક તેમજ હાલ આગામી દિવાળી સુધી વિનામૂલ્યે અને રાહત દરે અન્ન મળી રહે તેવા આશય સાથે આ યોજના અમલમાં મુકવામાં આવેલી છે. કોઈ ગરીબ વ્યક્તિ ભૂખ્યા ના સુવે તેની ચિંતા કરવામાં આવી છે. કોરોના કાળમાં દેશ સામે ખુબ મોટો પડકાર હતો. એ સમયમાં નાગરિકોનો સરકાર પરનો વિશ્વાસ વધુ મજબુત થાય તે રીતે સરકારે સંવેદનશીલતા સાથે કામો કર્યા છે. લોકોનો આમ્વીશ્વાસ વધ્યો છે.
અગાઉની સરકારો વખતે સરકારના અનાજના ગોદામો ભરેલા હતાં છતાં ભૂખમરાની સ્થિતિ જોવા મળતી રહેતી હતી. સને ૨૦૧૪થી આ પરિસ્થિતિમાં આમૂલ પરિવર્તન લાવવા માટે અન્ન સુરક્ષા કાયદો અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની અમલવારી કરવામાં આવી છે. સરકારે અંત્યોદય અને ખરેખર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને શોધી શોધીને તેઓને અન્ન સુરક્ષા પ્રદાન કરી છે. દેશમાં ૮૦ કરોડ લોકોને આ લાભ મળ્યો છે. વિશ્વના નિષ્ણાંતો ભારતની આ યોજના અને તેના વ્યાપ તથા અસરકારક પરિણામોની પ્રશંસા કરી રહયા છે. ભારત સરકારે માત્ર શહેરો જ નહી પણ ગ્રામ્ય વિકાસ માટે પણ અનેક યોજનાઓ અને વિકાસ કાર્યો કર્યા છે અને આ સિલસિલો ચાલુ છે.
માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ કાર્યક્રમ દરમ્યાન ગુજરાતના રાજકોટ સહિતના ગામોના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના તથા સરકારની અન્ય ગરીબલક્ષી યોજનાઓની અમલવારી અને અસરકારકતા અંગે વાતચિત કરી હતી. માન. પ્રધાનમંત્રીશ્રી રાજકોટમાં એક સમયે ટ્રેનથી પીવાનું પાણી પુરૂ પાડવામાં આવતું હતું એ સમય યાદ કરી આજે “સૌની યોજના”થકી નર્મદાના નીર મળતા થતા જળ કટોકટી ભૂતકાળ થઇ ગયાનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે એ પણ યાદ કરાવ્યું હતું કે, પોતે સૌપ્રથમ વખત રાજકોટતથી ધારાસભ્ય બન્યા હતાં.
આ અવસરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ તેમના પ્રાસંગોચિત પ્રવચનમાં એમ જણાવ્યું હતું કે, રાજ્યમાં ૧૭૦૦૦ થી વધુ સ્થળોએથી કુલ ૭૧ લાખ પરિવારો એટલે કે આશરે ૩.૫ કરોડ લોકોને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા યોજના હેઠળ વિનામૂલ્યે અને કેટલુંક અન્ન રાહતદરે આપવામાં આવી રહયું છે. અંત્યોદય અને ખરેખર ગરીબ હોય તેવા લોકોને આ યોજનાના લાભ પુરા પાડવામાં આવી રહયા છે. આ યોજનાના સફળ અમલ સાથે દેશ માટે આજે ગુજરાત રોલ મોડલ બન્યું છે. સરકાર લોકોની ચિંતા કરે છે તેની અનુભૂતિ સૌને થાય છે.આગામી નવેમ્બર સુધી આ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ સરકાર દ્વારા મળતું રહેશે. સરકાર આ યોજના માટે રૂ. ૨.૮૦ લાખ કરોડની જંગી રકમનો ખર્ચ કરી રહી છે.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પણ પ્રસંગોચિત વક્તવ્યમાં સરકારના પાંચ વર્ષના સુશાસનના કામોની રૂપરેખા આપી હતી. તેમજ પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે તેમના ઉદબોધનમાં સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવતી રાષ્ટ્રીય અન્ન સુરક્ષા યોજના સહિતની અન્ય યોજનાઓથી પણ લોકોના જીવનમાં પરિવર્તન આવી રહ્યાનું જણાવ્યું હતું. આ પ્રસંગે સ્વાગત પ્રવચન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે કાર્યક્રમનું સંચાલન કોમ્યુનિટી ઓર્ગેનાઈઝર દીપ્તિબેન આગરિયાએ કર્યું હતું. આ અવસરે મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થીઓને અન્ન બેગ અર્પણ કરવામાં આવી હતી.