હકીકત/ સુરતની ગ્રીષ્માને મળ્યો ન્યાય પણ સમાજની આ નબળી માનસિકતાને ફાંસી ક્યારે ?

આ કેસમાં ફાંસી ની સજા સંભળાવીને કોર્ટે સમાજ સામે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે પરંતુ જ્યાં સુધી સમાજ અને દરેક વ્યક્તિ પોતે જાગૃત નહિ થાય ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે.

Gujarat Surat Mantavya Exclusive
ફાંસી

સુરતના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ ગોયાણી દ્વારા જાહેરમાં ગળું કાપી હત્યા કરવામાં આવી હતી. તેમાં આજે સુરત સેસન્સ કોર્ટે ફેનિલને ફાંસી ની સજા ફટકારી છે. કોર્ટે આજે ફેનિલને ફાંસી ની સજા ફટકારીને ન્યાયતંત્રનું પલડુ સરખું કર્યું છે પરંતુ સમાજમાં રહેલી આ વરવી માનસિકતાનું પલડું બરાબર ક્યારે થશે? સમાજમાં સ્ત્રીઓને માન સન્માન અને સુરક્ષા ક્યારે મળશે? સ્ત્રીઓને માત્ર આનંદના સાધન તરીકે જોવાનું અને પગનું જોડું સમજવાની નબળી માનસિકતાથી સશક્ત સમાજનું નિર્માણ શક્ય જ નથી. મળતી વિગત અનુસાર ફેનિલ ગ્રીષ્માને પ્રેમ કરવાનો દાવો કરતો હતો તો તે અનુસાર સમાજમાં યુવાનોને પ્રેમની પવિત્રતા સમજાવવાનો સમય પાકી ગયો છે. યુવાનોને ગેરમાર્ગે જતા અટકાવવા માટે વેબસિરીઝ અને સોશિયલ મીડિયાને કંટ્રોલ કરવો કેટલો અનિવાર્ય છે એ બાબત પણ હવે વિચારવી જ પડશે.

‘ફેનિલને ફાંસીની સજા’ આ સજા આજે કોર્ટે સંભળાવી છે પરંતુ હજી સજા મળવાની બાકી છે ત્યારે સમાજમાં આવો કોઈ ફેનિલ બને જ નહિ તે માટે સમાજે આજથી પોતાનું ઘડતર કરવું પડશે. ફેનિલની ઘટનામાં સાબિતીઓ હતી એટલે સજા થઇ પરંતુ કેટલાક કિસ્સાઓમાં તો આરોપીઓ છૂટી જાય છે અને પીડિતાને માત્ર પીડા સહન કરવાનો જ વારો આવે છે ત્યારે સવાલ થાય કે સમાજની આવી નબળી માનસિકતાને ફાંસી ક્યારે થશે? ક્યારે લોકો પોતાની જવાબદારી સમજીને સમાજ પ્રત્યે પોતાની ફરજ નિભાવશે?

ફાંસીની સજા સંભળાવતા જજે કહ્યું હતું કે તેમના આટલા વર્ષોના અનુભવમાં આવો કેસ પહેલો છે. આવી ઘટના ઘટે છે એ જ સમાજની નબળી અને કથળતી સ્થિતિની સાબિતી છે. આ કેસમાં ફાંસીની સજા સંભળાવીને કોર્ટે સમાજ સામે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે પરંતુ જ્યાં સુધી સમાજ અને દરેક વ્યક્તિ પોતે જાગૃત નહિ થાય ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે. જજ દ્વારા આ ઘટના માટે વેબસિરીઝ અને મોબાઈલને ઘણા અંશે જવાબદાર માનવામાં આવ્યા હતા. તાજેતરમાં કરાયેલા એક સર્વરમાં પણ કહેવામાં આવ્યું હતું કે યુવાનો અને તરુણોમાં કેટલીક પ્રકારની વેબસિરીઝની નકારાત્મક અસર થાય છે. તેઓનું મગજ ગુનાહ તરફ વળે છે ત્યારે આ બાબતે પણ લોકોએ જાગૃતતા કેળવવી જ પડશે. નહિ તો સમાજમાં સ્ત્રીઓનું જીવવાનું મુશ્કેલ બની જશે અને પુરુષો ગુનાહની સજા જ ભોગવતા જોવા મળશે.

ફેનિલ ગ્રીષ્માને પ્રેમ કરતો હતો તેવી વાત મળી રહી છે ત્યારે આજના યુવાનને પ્રેમ એટલે શું અને પ્રેમમાં રહેલી જતું કરવાની ભાવના કેળવવી પડશે. જ્યારે યુવાનોમાં માતાપિતા અને સમાજ દ્વારા સ્ત્રી માટે માન સન્માન અને ખેલદિલીની ભાવના પ્રગટ થશે ત્યારે બીજો ફેનિલ બનતા અટકાવી શકાશે. ફેનિલ પણ કોઈનો દીકરો છે. ફેનિલને સજા થઇ ત્યારે તેના માતાપિતા ઉપર શું વિતતી હશે એ કલ્પના પણ આપણે હચમચાવી દે છે ત્યારે અન્ય કોઈ માતાપિતાને આવા સ્થિતિ આવે નહિ, તેના સંતાનને ગુનેગાર બનતો જોવો પડે નહિ તે માટે જરૂરી છે કે માતાપિતા તેના બાળકમાં સ્વીકારની, સહકારની અને ખેલદિલીની ભાવના કેળવે. બાળકમાં સંસ્કારનું સિંચન કેટલું મહત્વનું છે એ ફેનિલની ઘટના પરથી સમજી શકાય છે.

ગ્રીષ્મા અને ફેનિલના કેસમાં સમાજનું વધુ એક હલકું ચિત્ર જોવા મળ્યું હતું. જેમાં ફેનિલ ગ્રીષ્માએ જાહેરમાં મારી રહ્યો હતો અને લોકો તેને બચાવવાના બદલે લોકો મોબાઈલમાં તેનો વિડીયો બનાવવામાં જ વ્યસ્ત હતા. સમાજને ‘મારે શું’ની નબળી માનસિકતા એક દિવસ સમાજને પતાવાનારી સાબિત થશે. આથી આ ઘટના માત્ર દુર્ઘટના નથી પરંતુ સમાજને તેનું ભયાનક અને ખરાબ પાસું બતાવતો અરીસો છે. જો આ વખતે આપણે બધા અરીસામાં મોઢું જોવાનું ચુક્યા કે ભૂલ સુધારીશું નહિ તો આવતી કાલે આપણા જ ઘરમાં ગ્રીષ્મા અને ફેનિલ હશે. ગ્રીષ્માનાં માતાપિતા તેની દીકરી ખોઈને દુઃખી છે અને ફેનિલનાં માતાપિતા તેના દીકરાને ફાંસીના માંચડે ચડતો જોઈને પસ્તાઈ રહ્યા છે. જો તમારે ન પસ્તાવું હોય તો આજે જ જાગી જાગો અને સમાજની નબળી માનસિકતાને પણ ફાંસીના માંચડે લટકાવી દેજો.

આ પણ વાંચો : ગુજરાતમાં જધન્ય ગુનાઓ કરનારને કોઇ સ્થાન નથી : ગૃહમંત્રીનું ગર્વશીલ અને આક્રોશાત્મક નિવેદન