સુરતના કતારગામ વિસ્તારમાં એક યુવક અને તેના પિતા પર હુમલાના બનાવ અંગે કોંગ્રેસના નેતા જિજ્ઞેશ મેવાસાએ ગુરુવારે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યુ હતુ. શહેરના કતારગામ વિસ્તારમાં કોંગ્રેસના હારેલા વિધાનસભા ઉમેદવાર જિજ્ઞેશ મેવાસાએ પારિવારિક ઝગડામાં રોનીત મોરડિયા નામના યુવક અને તેના પિતા ઉપર કાર ચઢાવી અને તલવારથી હુમલો કર્યો હતો.
આ હુમલામાં ઘવાયેલા પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યાં યુવકના પિતાની હાલત ગંભીર હોવાનું ડોક્ટરોએ જણાવ્યુ હતુ.
આ અંગે પોલીસે જિજ્ઞેશ મેવાસાની વિરુદ્ધમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. ત્યારે ગુરુવારે જિજ્ઞેશ મેવાસાએ સામેથી પોલીસ સમક્ષ હાજર થઈને આત્મસમર્પણ કર્યુ હતુ. દરમિયાન એવી માહિતી સામે આવી રહી છે કે, રોનીત મોરડિયાના જિજ્ઞેશ મેવાસાની બહેન સાથે પ્રેમ સબંધ હોવાના મામલે હુમલાનો આ બનાવ બન્યો હતો.