અમદાવાદ
ગુજરાતમાં સતત ગરમીનો પારે વધી રહ્યો છે સાથે ગરમીના કારણે લૂ લાગવાના અને બેભાન થવાના કેસમાં પણ ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. એપ્રિલ માસના 30 દિવસમાં ઈમર્જન્સી 108ને ઉલટી થવાના, બીપી વધી જવાના, નશકોરી ફુટવાના અને ચક્કર આવવાના 20 હજાર કોલ મળ્યા હતા. જેમાં 30 દિવસમાં ગુજરાતમાં બેભાન થઇ જવાના 3770 કોલ મળ્યા હતા. 43 ડીગ્રી ગરમીમાં શકેાઈ રહેલા લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. સતત ગરમીનો પારો વધી રહ્યો હોવાથી પાંચ દિવસ માટે હવામાન ખાતાએ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરી દીધું છે.
આકાશમાંથી જાણે અગન ગોળાની વર્ષા વરસતી હોય તેની પ્રતિતિ થઈ રહી છે. અસહ્ય ગરમી ચામડી દઝાડી રહી છે. માણસો જ નહીં પશુપક્ષીઓ પણ ગરમીના પ્રકોપથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. અમદાવાદ સહિત ગુજરાતભરમાં બપોર પડતાં જ માર્ગો સુમસામ બની જાય છે. કામ વગર લોકો પણ બપોરે બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. ગરમીનો સતત પારો વધી રહ્યો છે. સાથે ગરમીના કારણે થતા રોગોમાં અને અસરગ્રસ્ત દર્દીની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે.
ઈમર્જન્સી 108 ને ગરમીના કારણે અસર થતાં લોકોના 20 હજારથી વધુ કોલ મળ્યા હતા.
જેમાં પેટમાં દુખાવાના 4921,
બીપી વધી જવાના 995,
છાતીમાં દુખાવાના 2396,
નશકોરી ફુટવાના 145,
ચક્કર આવવાના 13888,
અશક્તિના કારણે પડી જવાના 3120,
ઝાડા થઈ જવાના 1425,
વોમીટીંગના 1990 અને મુર્છિત થઈ જવાના 3770 કોલ મળ્યા હતા.
જે દર્દીઓને તુરત જ સારવાર આપવામાં આવી હતી. ગુજરાતભર માંથી કુલ 20 હજાર 150 કોલ મળ્યા હતા. જેમાં અમદાવાદના જુદાજુદા વિસ્તારમાંથી 4794 જેટલા કોલ 108ને મળ્યા હતા. કાળઝાર ગરમીથી માત્ર સ્ત્રી પુરુષો અને બાળકો જ નહીં પશુ પક્ષીઓ પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.
હવામાન વિભાગ દ્વારા જારી કરેલ વિગતો પ્રમાણે અમદાવા શહેરમાં મહત્તમ તાપમાન 43 ડીગ્રી નોંધાયું હતું. ભાવનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું જ્યાં તાપમાન 43.8 ડીગ્રી રહ્યું હતું. વડોદરા 41.3 ડીગ્રી, ઇડર 42.2 ડીગ્રી, રાજકોટ 42.7 ડીગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.