મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીપી રસ્તા, મ્યુનિસિપલ રિઝર્વ પ્લોટ તેમજ પાર્કિંગવાળી જગ્યા પરના દબાણ હટાવવાની ઝુંબેશ હેઠળ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં 12 પાકા રહેણાક મકાન સહિતના દબાણ દૂર કરીને અંદાજે 1570 ચો.મી. પ્લોટને ખુલ્લો કરાયો હતો.
આ મ્યુનિસિપલ રિઝર્વ પ્લોટમાં થયેલા દાયકાઓ જૂના દબાણને તોડવા માટે તંત્ર દ્વારા જેસીબી મશીન, દબાણની ગાડી તેમજ ખાનગી મજૂરોને કામે લગાડાયા હતા. આ ઉપરાંત તંત્ર દ્વારા નવરંગપુરા વોર્ડમાં આવેલા પાર્કર હાઉસ બિલ્ડિંગમાં પાર્કિંગની જગ્યામાં ઊભું કરાયેલું 70 ચો.મી.નું ગેરકાયદે બાંધકામને જમીનદોસ્ત કરીને પાર્કિંગની જગ્યા ખુલ્લી કરાઇ હતી.
એસ્ટેટ વિભાગના સત્તાવાળાઓ સ્ટેડિયમ વોર્ડમાં આવેલી ટીપી નં.28ના ફાઇનલ પ્લોટ નં. 572, 573, 574માં ગઇ કાલે સ્થાનિક પોલીસની મદદથી ત્રાટક્યા હતા. આ પ્લોટમાં ગેરકાયદે ઊભા થયેેલ 12 પાકા રહેઠાણનાં મકાન, 18 ઓટલા અને નવ ક્રોસવોલને દૂર કરી અંદાજે 1570 ચો.મી. પ્લોટની જગ્યાને ખુલ્લી કરાઇ હતી.