અમદાવાદ,
અમદાવાદની નામાંકિત સંસ્થા આઇઆઇટી-રામમાં પહેલા વર્ષમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ ઉપર તેમના સીનીયર બીજા વર્ષના વિદ્યાર્થીઓેએ રેગિંગ કર્યું હોવાની ઘટના બહાર આવી. જેમાં ઇન્સ્ટિટ્યૂટે રેગિંગ કરનારા 26 વિદ્યાર્થીને ૩ સપ્તાહથી લઇને 2 સેમેસ્ટર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
બીજા વર્ષના વિદ્યાર્થીઓએ પહેલા વર્ષના (જૂનિયર) વિદ્યાર્થીઓને અલગ-અલગ પ્રકારના ફોર્મ ભરાવવાથી માંડીને ઉઠક-બેઠક કરાવવા સહિત વિદ્યાર્થિનીઓને કેટ વોક કરવા બળજબરીથી ફરજ પાડી હતી.
ખોખરામાં સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ (IIT-RAM)માં બીજા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ તાજેતરમાં પહેલા વર્ષમાં અભ્યાસ લેનારા વિદ્યાર્થીઓ પર રેગિંગ કર્યુ હતું.
આ પ્રકારના રેગિંગ અંગે વિદ્યાર્થીઓએ કરેલી ફરિયાદની તપાસ કરવા કમિટી રચાઇ હતી. કમિટીએ સીસીટીવી ફૂટેજ જોયા હતા, તે સહિત તમામ બાબતો ચકાસી રજૂ કરેલા અહેવાલ બાદ કસૂરવાર ૨૬ વિદ્યાર્થીઓને સજા કરવાનો આ પ્રકારનો મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો.
ઉપરાંત, કેટલાક વિદ્યાર્થીઓને ઉઠક-બેઠક કરાવા આદેશ કર્યો હતો. એટલુ જ નહીં વિદ્યાર્થિનીઓ સહિત કેટલાક વિદ્યાર્થીઓને પણ કેટ વૉક કરવાની ફરજ પાડી હતી. આ સિવાય પણ કેટલાક અત્યાચારો જુનિયર વિદ્યાર્થીઓ પર કરવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીનીયર વિદ્યાર્થીઓએ નવા પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને સમૂહમાં ઊભા કરીને એક ફોર્મ આપ્યું હતું. જેમાં વિચિત્ર પ્રકારના પ્રશ્નો લખાયા હતા તે દરેકના જવાબો આપવાની ફરજ પાડી હતી.
આ મામલે કેટલાક વિદ્યાર્થીઓએ ઇન્સ્ટિટ્યૂટના સત્તાધીશોને જાણ કરી હતી. આ પ્રકારની ઘટનાને ગંભીરતાથી લઇને સંસ્થાએ તાકીદે ૧૩ સભ્યોની કમિટી રચી હતી.
આ સિવાય જે સ્થળ પર આ પ્રકારની રેગિંગની ઘટના બની તેના સીસીટીવી ફૂટેજની ચકાસણી પણ કરી હતી. આશ્ચર્યની વાત એ કે શરૂઆતમાં માત્ર ગણતરીના વિદ્યાર્થીઓ આ રેગિંગમાં સંડોવાયેલા હોવાનું જણાયુ હતું.
પરંતુ તપાસ કરતાં ધીમે ધીમે બીજા વર્ષના મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને સિવિલ એમ, ત્રણે બ્રાન્ચમાં મળીને કુલ ૨૬ વિદ્યાર્થી રેગિંગ કરવામાં સામેલ હોવાનું ખુલ્યુ હતું. તપાસ કમિટીએ તમામ પાસાઓની ચકાસણી કર્યા બાદ અહેવાલ આપ્યો હતો.
જેમાં પહેલા વર્ષના વિદ્યાર્થીઓએ કરેલી ફરિયાદમાં તથ્ય હોવા ઉપરાંત બીજા વર્ષના વિદ્યાર્થીઓએ ‘ન કરવાની’ હરકત કરી હોવાનો ઉલ્લેખ કરાયો હતો. અંતે ઇન્સ્ટિટ્યૂટે તમામ ૨૬ વિદ્યાર્થીને કડક સજા ફટકારી હતી. જોકે, આ ઘટના અંગે ઇન્સ્ટિટ્યૂટ મારફતે કોઇ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.