અમદાવાદ,
વિરમગામ ખાતે રહેતા એજાજ ઘાંચી પાસે વિદેશી દારૂ ન હોવા છતા 19 બોટલનો કેસ માંડલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એજાજને ન મારવા માટે અને વરઘોડો ન કાઢવા માટે ડીવાયએસપી વી.કે.નાયી અને પોલીસે 2.75 લાખ રૂપિયા માગ્યા હતા.
જેથી 4 સપ્ટે.ના રોજ 1.50 લાખ એજાજના મિત્ર અમીન ભાઇ પોલીસ કોન્સ્ટેબલ હિતેશ અને દિનેશને લાંચ પેટે આપ્યા હતા. આમ છતા વધુ પૈસાની માગણી કરતા એસીબીને જાણ કરવામાં આવી હતી અને પાછળથી 75 હજારની લાંચ લેતા ભૂપેન્દ્રસિંહ મોહબતસિંહ ઝડપાઇ ગયો હતો.
જ્યારે હિતેષ અને દિશને ત્યાંથી પલાયન થઇ ગયા હતા. આ મામલે તપાસમાં ડીવાયએસપીનું નામ ખુલ્યું હતું. જેથી તેમણે ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, મારો કોઇ જ રોલ નથી, ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યો છે, પોલીસ અધિકારી છું તેથી નાસી કે ભાગી જાઉં તેમ નથી. કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છું.
જો કે, અરજીનો વિરોધ કરતા સરકારી વકીલ હંસરાજસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, આખો ખોટો કેસ ઉભો કરી લાંચ માગવામાં આવી છે, લાંચ લેતા આરોપી ઝડપાઇ ગયો છે, અગાઉ લાંચ પેટે લીધેલા 1.50 પૈસા રીકવર કરવાના બાકી છે, આરોપી પોલીસ અધિકારી છે અને પ્રથમદર્શિય સંડોવણી છે, તપાસ હાલ ચાલી રહી છે ત્યારે આવા આરોપીને જામીન આપવામાં આવે તો તપાસ પર અસર પડે તેમ છે, ત્યારે સમાજના વિશાળ હિતને ધ્યાને લઇ આરોપીને જામીન ન આપવા જોઇએ.