અમદાવાદમાં શાહીબાગ પોલીસ સ્ટેડિયમ ખાતે પીઆઈ માટે મહિલા ઉમેદવારોની ફિઝિકલ એન્ટ્રન્સ ટેસ્ટ યોજાઈ હતી જેમા ડિસ્કવાલિફાઇ થયેલા મહિલા ઉમેદવારોએ સમયસર દોડ પુરી કર્યા છતા ડિસ્કવાલિફાઇ કરવાનો આરોપ લગાવ્યો હતો.
અમદાવાદમાં સુભાષબ્રીજ પાસે શાહીબાગમાં આવેલા જીડી નગરવાલા પોલીસ સ્ટેડિયમ ખાતે મહિલા ઉમેદવારો માટે બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેક્ટર માટે ફિઝિકલ એન્ટ્રન્સ ટેસ્ટ યોજાઈ હતી. જેમાં 2000 જેટલી મહિલા ઉમેદવારો ટેસ્ટ આપવા માટે આવી હતી.
આ ટેસ્ટ અંતર્ગત સાડા નવ મિનિટમાં 1600 મીટરની દોડ પુરી કરવાની હતી. પરંતુ આ દોડ બાદ સાડા નવ મિનિટની અંદર દોડ પુરી કરનારા 18 થી 20 ફિમેલ ઉમેદવારોને ડિસ ક્વોલિફાય કરવામાં આવ્યા હોવાનો યુવતીઓએ આરોપ લગાવ્યો હતો. આ ઉમેદવારોએ રજૂઆત કરી હોવા છતાં જીપીએસસી કમિટીએ તેમની રજુઆત સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો અને આયોગમાં અપીલ કરવા માટે કહ્યુ હતું.
આ અંગે એક મહિલા ઉમેદવારે જણાવ્યું હતુ કે, ડિજીટલ વોચ મુજબ, દોડ સમયસર પુરી થઈ હોવા છતાં તેમને ડિસક્વોલીફાય કરવામાં આવ્યા હતા. માત્ર એટલું જ નહીં, તેઓ રેકોર્ડિંગ બતાવવા માટે પણ તૈયાર નથી. ઉલ્લેખનીય છે કે, આગામી ચાર દિવસ હવે મેલ ઉમેદવારો માટે આ પરીક્ષા યોજાશે.