તહેવાર બાદ અમદાવાદમાં ટ્રાફિક પોલીસ સક્રિય થઇ ગઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઇવ કરવામાં આવી રહી છે.
છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ, કાર પર બ્લેક ફિલ્મ તેમજ ઓવર સ્પીડમાં વાહન ચલાવતા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે.
મંગળવારે બપોર બાદ રિવરફ્રન્ટ રોડ પર પણ હેલ્મેટ ડ્રાઇવ કરવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન પોલીસે મંગળવાર બપોર બાદથી સાંજ સુધીમાં 2449 વાહન ચાલકોને હેલ્મેટ ન પહેરેલી હોય, દંડ ફટકાર્યો હતો. તેમજ રિવરફ્રન્ટ રોડને ટ્રાફિક પોલીસ દ્વારા “નો હેલ્મેટ નો ગો ઝોન” જાહેર કરવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે, ટ્રાફિક પોલીસ દ્વારા સોમવારે સાંજે ચારથી રાતના નવ વાગ્યા સુધી હેલ્મેટ વિનાના વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી અંતર્ગત અલગ અલગ વિસ્તારમાં પોલીસે હેલ્મેટ વગર વાહન ચલાવતા કુલ 4,398 જેટલા વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો. તેમજ બુધવારે પણ ટ્રાફિક પોલીસ હેલ્મેટ ડ્રાઇવ કરી રહી છે.