અમદાવાદ,
રવિવારે લોકરક્ષક દળની પરીક્ષા યોજાઈ હતી. આ દરમિયાન અમદાવાદમાં સોલા બ્રિજ પાસે આવેલી યુટોપિયા સ્કૂલમાં ચાલુ પરીક્ષામાં પેપરના ફોટો પાડી જવાબ મંગાવતા ઉમેદવારની સોલા પોલીસે ધરપકડ કરી છે.
કડક સુરક્ષા વચ્ચે ઉમેદવાર ક્લાસરૂમમાં મોબાઈલ લઈ પહોંચી ગયો હતો અને પરીક્ષાનું પેપર હાથમાં આવતા જ તેણે ફોટો પાડી વોટ્સએપ કરી દીધાં હતાં.
મહેસાણાના રહેવાસી જયેશ ચૌધરી નામના યુવાનનો લોકરક્ષકની પરીક્ષામાં સોલાબ્રિજ પાસે આવેલી યુટોપિયા સ્કૂલમાં નંબર આવ્યો હતો.જયેશે પેપરના જવાબ મંગાવવા માટે તેના જેકેટમાં મોબાઈલ છુપાવી દીધો હતો અને અંદર લઈ જવામાં સફળ રહ્યો હતો.
પરીક્ષાનું પેપર હાથમાં આવતા જ તેણે ફોટો પાડી વોટ્સએપ કરી દીધાં હતાં. તેણે મોબાઈલ ફોનથી પેપરના 01 થી 14 પ્રશ્નોના ફોટો પાડ્યા હતા.
જો કે હાજરી પુરવા આવેલ કર્મચારીએ તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે હાલ જવાબ માટે કે લીક કરવા પેપર વોટ્સએપ કર્યું હતું કે કેમ તેની પોલીસે તપાસ શરૂ કરી છે.
હવે સવાલ એ ઉભો થાય છે કે, પરીક્ષા માટે વર્ગખંડમાં પ્રવેશતા પહેલા પોલીસકર્મીઓ દ્વારા ઉમેદવારોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
એક એક વિદ્યાર્થીને સારી રીતે તપાસ્યા બાદ જ તેને શાળામાં પ્રવેશ આપવામાં આવતો હતો. તો પછી મહેસાણાના રહેવાસી જયેશ ચૌધરી મોબાઈલ ફોન સાથે આ ચેકિંગમાંથી કેવી રીતે પસાર થઈ ગયો?.શું એને તપાસ્યો નહિ હોય ?
સવાલ એ પણ ઉભો થાય છે કે, શું કોઈની મહેરબાનીથી જયેશ મોબાઈલ સાથે લઈ જઈ શક્યો? એક સવાલ એ પણ છે કે, શું આવા કેટલા વિદ્યાર્થીઓ આવી રીતે મોબાઈલ સાથે પરીક્ષામાં પ્રવેશવામાં સફળ રહ્યાં હશે.