ધાનેરા,
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે આજે એક મકાનની દીવાલ ધસી પડતાં તેની નીચે દબાઈ જતાં ચાર વ્યક્તિના મોત નીપજવાની ઘટના બની છે. જેના કારણે ધાનેરામાં અરેરાટી પ્રસરી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ નગરપાલિકાના અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે આવેલા વોર વાસમાં એક જર્જરિત મકાનના રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. આજે સવારે મજદૂરો દ્વારા આ જર્જરિત મકાનના રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક કોઈ કારણસર આ મકાનની દીવાલ ધસી પડી હતી.
આ મકાનની દીવાલ અચાનક ધડાકાભેર ધસી પડતાં કામ કરી રહેલા ચાર મજદૂરો દીવાલની નીચે દબાઈ ગયા હતા. મજદૂરો દીવાલની નીચે દબાઈ જતાં હોહા મચી જવા પામી હતી. આ ઘટના બનતાની સાથે આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા અને દબાયેલા લોકોને બહાર કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
આ ઘટના અંગે જાણ થતાની સાથે સ્થાનિક પોલીસ તેમજ નગરપાલિકાના અધિકારીઓ સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.
નગરપાલિકાની ટીમ દ્વારા દિવાલના કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢીને તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જો કે આ ઘટનામાં ચાર વ્યક્તિના મોત નીપજ્યા હતા.
આ બનાવ અંગે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જયારે બીજી તરફ નગરપાલિકાના તંત્ર દ્વારા પણ આ ઘટના અંગેના કારણોની તપાસ હાથ ધરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
જર્જરિત થયેલા મકાનના રિનોવેશન દરમિયાન દીવાલ પડતાં ચાર વ્યક્તિના મોત નીપજવાની ઘટનાને કારણે ધાનેરા ગામમાં ભારે અરેરારીનો માહોલ છવાઈ ગયો છે.