અમદાવાદ,
રાજ્યના બહુચર્ચિત એવા બિટકોઈન કેસમાં સંડોવાયેલા અને હાલમાં ફરાર એવા પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયાએ સીઆઈડીણે એક પત્ર લખીને પોતાની રજૂઆત કરવા માટે આગામી તા. 11 મે સુધીનો સમય માંગ્યો છે. સીઆઈડી દ્વારા કોટડિયાને અત્યાર સુધીમાં બે સમન્સ મોકલવામાં આવ્યા છે. અગાઉ તેમને કહ્યું હતું કે, તેઓ ભાગ્યા નથી અને તેમના ગામ ધારીમાં જ છે. પરંતુ આજે તેમણે સીઆઈડીને મોકલેલા પત્રમાં જણાવ્યું છે કે, ‘હું ગુજરાત બહાર છું.’
ગુજરાતમાં જ નહિ સમગ્ર દેશમાં ચકચાર મચાવનારા બિટકોઈન પ્રકરણમાં ગુજરાતના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયાનું નામ ખુલવા પામ્યું હતું. જેના લીધે રાજકીય વર્તુળોમાં હલચલ મચી જવા પામી હતી. આ મામલાની તપાસ સીઆઈડીને સોંપવામાં આવી છે. તપાસ ચલાવી રહેલી સીઆઈડી દ્વારા કોટડિયાને બે વખત સમન્સ મોકવામાં આવ્યા છે. આ મામલે કોટડિયાએ સીઆઈડીના અધિકારી એવા ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ સૈયદને એક પત્ર લખીને મોકલી આપ્યો છે. આ પત્રમાં તેમણે જણાવ્યું છે કે, તેમની સામે બિટકોઈન મામલામાં ખોટા આરોપ લગાવવામાં આવી રહ્યા છે, તેમને બે સમન્સ મળ્યા છે, પરંતુ તેઓ હાલ ગુજરાત છું. તેમણે પત્રમાં એવી પણ વિનંતી કરી છે કે, મને આગામી તા. 11 મે સુધીનો સમય આપવામાં આવે અને તા. 12 મે સુધી તેમની ધરપકડ કરવામાં ના આવે. ત્યાર બાદ તેઓ ગુજરાત આવીને સીઆઈડી સમક્ષ હાજર થઈને પોતાનો પક્ષ રજૂ કરશે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, હાલમાં વેકેશનનો સમય હોવાના લીધે તેમને બસ અને ટ્રેનની ટીકીટ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત તેમના જે પૈસા કબજે લેવામાં આવ્યા છે તે જમીન વેચાણના છે, જે અંગેના પણ તેઓ પુરાવા આપશે. આમ અત્યાર સુધી ગાજી રહેલા નલીન કોટડિયા હવે નરમ પડ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયા અને અમરેલીના પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર પવારને શોધવા માટે સીઆઈડીએ ત્રણ ટીમો બનાવીને રવાના કરી છે. અમરેલીના એસપી જગદીશ પટેલની ધરપકડ થઇ તેના એક દિવસ અગાઉ પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર પવાર એસપી જગદીશ પટેલના અગત્યના દસ્તાવેજ લઈને નાસી ગયો હતો.