પાસ કન્વીનર હાર્દિક પટેલના રહેઠાણને લઈને નવો વિવાદ ઊભો થયો છે. ભાજપ સરકારના દબાણને કારણે ગુજરાતમાં તેને કોઈ મકાન ભાડે આપવા તૈયાર ન થતું હોવાનો હાર્દિક પટેલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
હાર્દિક પટેલે જણાવ્યું કે, ખેડૂતો અને પાટીદારો તરફથી મને મળી રહેલાં જનસમર્થનથી ડરી ગયેલી ભાજપ સરકાર ચૂંટણીના ડરથી મને અજ્ઞાતવાસમાં રાખવાનો કારસો ઘડી રહી છે. હું ચેનથી રહી ન શકું, હું ગાંડો થઈ જાઉં એવા ભાજપ સરકાર દ્વારા પ્રયાસો થઈ રહ્યાં છે.
હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, હું હાલ અમદાવાદના ગ્રીનવૂડ સ્થિત જે મકાનમાં રહું છું એ મકાનનો ભાડા કરાર 20 જાન્યુઆરી, 2019ના રોજ પૂરો થવા જઈ રહ્યો છે, જો કે એ પહેલાં જ વહેલી તકે મકાન ખાલી કરાવવા મકાન માલિક પર ભાજપ દ્વારા ઉપરથી દબાણ કરાવવામાં આવી રહ્યું છે. મને મકાન ભાડે આપનાર મકાન માલિક પર પણ ભાજપ સરકારે ખોટા કેસ કરીને તેને જેલમાં ધકેલી દીધો છે. તેથી હવે ભાજપ સરકારના ભયથી મને કોઈ મકાન ભાડે આપવા તૈયાર થતું નથી.
હાર્દિક પટેલે જણાવ્યું કે, શંકરસિંહના ટેકેદારના મકાનમાં રહેવા જવાની કે મારા એનસીપીમાં જોડાવાની વાત તદ્દન પાયાવિહોણી છે. જો મને કોઈ મકાન ભાડે નહીં આપે તો હું વિરમગામમાં મારા ઘરે રહીને લડતને આગળ ચલાવીશ.