Not Set/ પેપર લિક થવાના મામલે CM વિજય રૂપાણીએ કરી આ મોટી જાહેરાત

અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા આજે યોજાનાર લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા પેપર લિક થવાના કારણે રદ્દ કરવામાં આવી છે. આ પેપર લિક થવાની ઘટનાની CM વિજય રૂપાણીએ ઘણી ગંભીરતાથી નોંધ લીધી છે. આ મામલે CM વિજય રૂપાણીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપી દીધા છે. એટલું જ નહિ, ફરીથી પરીક્ષા સમયે ઉમેદવારોને બસ ભાડું ચુકવવું નહીં પડે […]

Top Stories Ahmedabad Gujarat
CM Vijay Rupani made a big announcement on paper leaks

અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા આજે યોજાનાર લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા પેપર લિક થવાના કારણે રદ્દ કરવામાં આવી છે. આ પેપર લિક થવાની ઘટનાની CM વિજય રૂપાણીએ ઘણી ગંભીરતાથી નોંધ લીધી છે. આ મામલે CM વિજય રૂપાણીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપી દીધા છે. એટલું જ નહિ, ફરીથી પરીક્ષા સમયે ઉમેદવારોને બસ ભાડું ચુકવવું નહીં પડે તેવી જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, આ પરીક્ષાના ઉમેદવારોનું બસનું ભાડું રાજ્ય સરકાર ચુકવશે અને આવી ઘટના ભવિષ્યમાં ફરી ન બને તે માટે સંબંધિત વિભાગોને સૂચના આપી દેવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આ મામલે તપાસ કરવા માટે ગૃહ વિભાગને આદેશ આપી દેવામાં આવ્યા છે. આ ઘટનામાં સંડોવાયેલા કસુરવારો સામે સખતમાં સખત કાર્યવાહી કરવાની પણ ગૃહ વિભાગને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે રદ થયેલી પરીક્ષા જયારે ફરીથી લેવામાં આવશે ત્યારે આજની પરીક્ષાના તમામ ઉમેદવારોને તેમના ઘરેથી પરીક્ષા કેન્દ્ર સુધી આવવા જવા માટેનું એસટી બસનું ભાડું રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

આ આજે યોજાયેલી લોક રક્ષકની પરીક્ષાનું પેપર લિક થવાની ઘટના બની હતી. આ અંગે લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે જાહેરાત કરી છે કે અસામાજિક તત્વો દ્વારા પરીક્ષાનું પેપર લિક કરવામાં આવ્યું હોવાની બાબત સામે આવી હતી. જેથી લોકરક્ષક ભરતી માટેની આજે યોજાનાર પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે.

આજે 8,76,356 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. પરીક્ષા અગાઉ પેપર લિક થવાના મામલે જાણ થઈ જેથી આ પગલા લેવામાં આવ્યા છે. તેમજ તેમણે જણાવ્યું છે કે પેપર લીક થવા મામલે જવાબદાર વિરુદ્ધ પગલાં લેવાશે. રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે રાજ્યના 29 શહેરોમાં લોકરક્ષકની 9,713 બેઠકો માટે લેખીત પરીક્ષા લેવામાં આવાની હતી.

થ્રિ-લેયર બંદોબસ્ત વચ્ચે રાજ્યના 8,76,356 ઉમેદવારો લેખિત પરીક્ષા આપવાના હતા. લેખિત પરીક્ષા માટે 2,440 શાળા/કોલેજોના 29,200 બ્લોકમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તમામ બ્લોકમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યાં હતા.

રાજ્ય પોલીસ દળમાં લોકરક્ષકની ભરતી માટે પ્રારંભમાં 6189 બેઠકો મંજૂર કરવામાં આવી હતી. પરંતુ પાછળથી વધુ 3524 બેઠકોનો વધારો કરવામાં આવ્યો હતો. જેના લીધે કુલ 9,713 બેઠકો માટે પરીક્ષા લેવામાં આવનાર હતી. લેખિત પરીક્ષા લેવાયા બાદ મેરિટ યાદી બહાર પાડવામાં આવશે. જેમાં કુલ બેઠકના આઠ ગણા એટલે કે,77,704 ઉમેદવારોને પ્રેક્ટિકલના મેરિટ માટે સમાવવામાં આવશે.