અમદાવાદ,
આજથી લગભગ બે વર્ષ પહેલા જુલાઈ ૨૦૧૬માં રાજ્યના ઉના ખાતે ગૌરક્ષકોએ ચાર દલિત યુવાનોને નિર્દયતાથી પીટ્યા હતા. આ ઘટના બાદ જ રાજ્યમાં દલિત પર થઇ રહેલા અત્યાચારો અંગે એક નવા દલિત આંદોલનને જન્મ આપ્યો હતો. ત્યારે હવે આ ચાર દલિત યુવાનોએ હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ આપનાવવાનો નિર્ણય કર્યો છે.
આ પહેલા પીડિત દલિત યુવાનોએ ૧૪ એપ્રિલ ડો. બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસ નિમિત્તે ધર્મ પરિવર્તન કરવાની યોજના બનાવી હતી પરંતુ ત્યારબાદ તેઓએ ગૌતમ બુદ્ધના જન્મદિવસ, બુદ્ધ પૂર્ણિમાના દિવસે સમૂહમાં ધર્મ પરિવર્તન કરવાનો નિર્ણય લીધો છે.
ધર્મ પરિવર્તન અંગે દલિત યુવક વશરામે જણાવ્યું, “માત્ર અમે જ દલિતોની વિરુધ કરવામાં આવી રહેલા અત્યાચારોથી પીડિત નથી. અમે દલિત સમુદાયના બીજા લોકોએ પણ બૌદ્ધ ધર્મ અપનાવવા માટે આગ્રહ કરીશું જેથી તેઓને એક નવું જીવન મળે અને જેમાં તેઓ સાથે કોઈ પણ જાતિના આધાર પર અત્યાચારો ન થાય.
આ ઉપરાંત સપ્ટેમ્બર ૨૦૧૨માં થાનગઢમાં માર્યા ગયેલા ત્રણ દલિત યુવકોમાંથી એકના પિતાને જણાવ્યું હતું કે, “અમે પણ હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અપનાવવા માટે તૈયાર છે. કારણ કે અમારા છોકરાઓના હત્યારાઓ પણ હિંદુ જ છે. હત્યારાઓએ અમને હિંદુ માન્યા નહીં હોય. જેથી અમારા છોકરાઓને માર્યા હતા, જેથી અમે આ ધર્મ સાથે રહી શકતા નથી.