અમદાવાદ,
ઉનાળો શરૂ થતાની સાથે જ કેરી રસીકો કેસર અને હાફુસ કેરીની કાગડોળે રાહ જાઈ રહ્યા છે. જોકે, આ વખતે કેરીના શોખિનોને થોડુ ઉદાસ થવુ પડશે. કારણકે શિયાળામાં પડેલ કમોસમી વરસાદ, ઓછી ગરમી અને વાતાવરણમાં અસામાન્ય ફેરફારના કારણે પ્રખ્યાત હાફુસ અને કેસર કેરીનુ ઉત્પાદન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં લગભગ ૩૦ ટકા જેટલુ ઘટ્યુ છે. જેના કારણે ભાવમાં વધારો થવાની પુરી શક્યતા છે.
ગુજરાતમાં હાફુસ કેરીનુ ઉત્પાદન વલસાડ અને આસપાસના વિસ્તારમાં થાય છે. ગત વર્ષે અહીં લગભગ ૧૪ લાખ ટન હાફુસ કેરીનુ ઉત્પાદન થયુ હતું. જાકે આ વર્ષે નવેમ્બર અને ફેબ્રુઆરી મહિનામાં પડેલ કમોસમી વરસાદના કારણે કેરીના મોરને નુકશાન થયુ છે. જેથી આ વખતે હાફુસ કેરીનુ ઉત્પાદન લગભગ ૧૦.૫૦ લાખ ટન જેટલુ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગત વર્ષે સીઝનની શરુઆતમાં હાફુસ કેરીના ભાવ ૮૦૦ રૂપિયા પ્રતિ ૨૦ કિલો જાવા મળ્યા હતા, જે પાછળથી ઘટીને ૭૦૦ રૂપિયા પ્રતિ ૨૦ કિલો સુધી પહોચ્યા હતા. જ્યારે કેસર કેરીના ભાવ શરૂઆતમાં ૭૫૦ રૂપિયા પ્રતિ ૨૦ કિલો હતા, જે ઘટીને ૫૫૦ રૂપિયા પ્રતિ ૨૦ કિલો સુધી પહોંચ્યા હતા.
જોકે આ વખતે ભાવમાં લગભગ ૧૫ ટકા સુધીનો વધારો થશે. ગીરની પ્રખ્યાત કેસર કેરીનુ ઉત્પાદન ગત વર્ષ કરતા લગભગ ૩૩ હજાર મેટ્રીક ટન ઘટ્યુ છે.