ગાંધીનગરઃ ગુજરાતમાં વરસાદ ખેંચાતા વાવણી નિષ્ફળ જવાની ચિંતા ખેડૂતોને સતત સતાવી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ખેતી માટે વધુ બે કલાક વિજળી આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના ખેડૂતોને આ આગાઉ આઠ કલાક વિજળી પુરવઠો આપવામાં આવતો હતો, તે હવે દસ (10) કલાક આપવામાં આવશે. રાજ્યના ઊર્જા મંત્રી સૌરભ પટેલ દ્વારા આ અંગેની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.
રાજ્ય સરકારના આ નિર્ણયને કારણે ગુજરાતના 15 લાખ જેટલાં ખેડૂતોને ખેતી માટે વિશેષ લાભ મળશે. જો કે આ નિર્ણયના કારણે રાજ્યમાં આઠ કરોડ યુનિટ વિજળીનો કુલ વપરાશ થશે.
રાજ્ય સરકારના આ નિર્ણયના કારણે રાજ્ય સરકાર ઉપર દર મહિને રૂપિયા 250 કરોડનું ભારણ પણ વધશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આ અગાઉ વાવણીલાયક સારો વરસાદ આવ્યો હતો અને તેના લીધે ખેડૂતોએ વાવણી પણ કરી દીધી હતી.
પરંતુ ત્યાર પછી વરસાદ ન આવતાં ખેડૂતોની વાવણી નિષ્ફળ જવાની ભીતિ સેવવામાં આવી રહી હતી. પરંતુ હવે વિજળી વધુ મળવાને કારણે ખેડૂતો સિંચાઈનાં પાણીથી વાવણી કરેલા પાકને પણ બચાવી શકશે.