મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના મત વિસ્તાર 69-રાજકોટમાં 20 જેટલા બૂથ એવા છે કે, જેમાં પુરુષ મતદારોની સંખ્યા સામે મહિલા મતદારોની સંખ્યા ચોંકાવનારી હદે આેછી છે. હાલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલુ છે, તે દરમિયાન આ વિગતો ખૂલવા પામી છે. અને 20 જેટલા બૂથમાં પુરુષ કરતાં મહિલા મતદારોની સંખ્યા સરેરાશ 35થી 50 ટકા જેટલી આેછી હોવાનું જણાતા સત્તાવાળાઆે ચોંકી ઉઠયા છે.
કલેકટર કચેરીની ચૂંટણી શાખાના વતુર્ળોમાંથી મળતી માહિતી મુજબ સુખડિયાપરા, કિટીપરા, રેલનગર સહિતના વિસ્તારોમાં આ બૂથ આવેલા છે. અને તે વિસ્તારોમાં મોટાભાગના લોકોની માનસિકતા સ્ત્રીઆેના નામ મતદાર યાદીમાં ન નોંધાવવાની હોય તેવું જણાઈ રહ્યું છે.
જો કે સોમવારે આ સંદર્ભે તમામ બીએલઆેની બેઠક બોલાવવામાં આવી છે અને ત્યારબાદ જે 20 બૂથમાં મહિલા મતદારો ની સંખ્યા 35થી 50 ટકા જેટલી આેછી છે તેવા બૂથવાળા વિસ્તારોમાં બીએલઆે ઘેર-ઘેર ફરી સર્વે હાથ ધરશે અને જે મહિલા મતદારોના નામ મતદાર યાદીમાં નહી હોય તેમના નામ ઉમેરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરશે.