સુરત,
સુરતના ઉધના વિસ્તારમાં ખોદકામ દરમ્યાન ગેસ પાઇપલાઈન લીકેજ થતા જ અચાનક આગ લાગી ગઈ હતી. આગની મોટી જ્વાળાઓને લીધે આજુબાજુના વિસ્તારમાં.ભય નો માહોલ પેદા થયો હતો. જોકે સમયસર પહોંચેલા ફાયર વિભાગના લાશકારોએ આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો અને આગમાં કોઇ જાનહાનિ નહોતી થઇ.
આપને જણાવી દઈએ કે સુરતના ઉધના વિસ્તારમાં આવેલ સિટી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પાઇપ લાઈન માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. જેસીબી મશીન દ્વારા પાલિકાના કેટલાક કર્મચારીઓ ખોદકામ કરી રહ્યા હતા. અચાનક જ ખોદકામ દરમ્યાન સીએનજીની પાઇપ લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જેના લીધે પાઇપ લાઈનમાં આગ લાગી ગઈ હતી. ગેસ લીકેજના લીધે લાગેલી આગ અચાનક ભયાનક સ્વરૂપ ધારણ કરી ચુકી હતી.
આગ લાગ્યાની જાણકારી સુરત મહાનગર પાલિકાના ફાયર વિભાગને મળતાં જ 10 જેટલા ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચીને આગ બુજવવાની કામગીરીમાં જોતરાયા હતા. આજુબાજુમાં આવેલા કારખાના અને દુકાનોને તાત્કાલિક અસર થઈ ખાલી કરાવવામાં આવ્યા હતા. આગ વધુ પ્રસરે નહીં અને જાનહાની થવાનું જોખમ ઉભું નહીં થાય એની તકેદારી રાખીને ફાયર વિભાગ દ્વારા આગ બુજવવાની કામગીરી શરૂ કરી હતી.ગેસ સપ્લાય બંધ કર્યા બાદ આગ પર કાબુ મેળવવામાં આવી હતી.