અમદાવાદમાં લઠ્ઠાકાંડની ઘટના સામે આવ્યા પછી રાધનપુરના MLA અલ્પેશ ઠાકોર, વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) ના નેતા હાર્દિક પટેલે સંયુક્ત રીતે ગાંધીનગર ખાતે જનતા રેડ કરીને દારૂ પકડ્યો હતો. આ જનતા રેડના મામલે હવે આ યુવા નેતાની ત્રિપુટી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ત્રણેય નેતાઓ સામે મહિલાના ઘરમાં ગેરકાયદે પ્રવેશ, ખોટા પુરાવા ઉભા કરવા અને ઉદ્ધતાઈથી વર્તને કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
યુવા નેતાની ત્રિપુટીએ કરી હતી જનતા રેડ
અમદાવાદ ખાતે ચાર યુવકોને લઠ્ઠાની અસર થતાં સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના પછી યુવા નેતાની ત્રિપુટીએ પીડિત યુવકોની હોસ્પિટલ ખાતે મુલાકાત લઈને તેમને ખબર અંતર પૂછ્યા હતા. બાદમાં આ ત્રિપુટીએ પત્રકાર પરિષદ કરીને ગૃહમંત્રી પ્રદીપસિંહને અમદાવાદ અને ગુજરાતને દારૂમુક્ત કરવાનો પડકાર ફેંક્યો હતો. ત્રણેય નેતાએ એવું પણ કહ્યું હતું કે બે દિવસ પછી તેઓ દારૂના અડ્ડાઓ અને દારૂ વેચતા લોકોને ત્યાં જનતા રેડ કરશે. બાદમાં સાંજે તેમણે ગાંધીનગર ખાતે સેક્ટર-21માં એક મહિલાના ઘરે જનતા રેડ કરીને દેશી દારૂ પકડી પાડ્યો હતો.
ગાંધીનગર એસ.પી.એ જનતા રેડને પ્રસિદ્ધ માટેનું નાટક ગણાવ્યું
અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલની જનતા રેડ પછી ગાંધીનગરના એસ.પી. વિરેન્દ્ર સિંઘે મીડિયા સાથે વાતચીતમાં આ ત્રિપુટીની જનતા રેડને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનું નાટક ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે જે મહિલાના ઘરમાંથી જે દારૂ મળ્યો હતો તે બહારથી લાવીને તેના ઘરમાં મૂકી દેવામાં આવ્યો હતો.
અમદાવાદમાં પણ પોલીસના દારૂ અંગે દરોડા
લઠ્ઠાકાંડનો કેસ સામે આવ્યા બાદ રાજ્યભરની પોલીસ અને ખાસ કરીને અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં ત્રણ દિવસથી દારૂના અડ્ડાઓ પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. શનિવારે પોલીસે પૂર્વ વિસ્તારમાં અલગ અલગ ટીમ બનાવીને દરોડા કર્યા હતા. જે અંતર્ગત સેક્ટર-1 એમાં 38, સેક્ટર-2 એમાં 86 જેટલા પ્રોહિબિશનના કેસ નોંધવામાં આવ્યા છે. આ દરોડામાં પોલીસે રૂ. 6.40 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.