અમદાવાદ: ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના પ્રાસલી ખાતે માર્કેટિંગ યાર્ડને રાજ્યના CM વિજય રૂપાણીએ આજે ખુલ્લુ મૂક્યું હતું. સીએમની ઉપસ્થિતિમાં યોજાયેલ માર્કેટિંગ યાર્ડના ઉદઘાટનના કાર્યક્રમમાં એક ખેડૂતે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સ્થળ પર ઉપસ્થિત રહેલ પોલીસના જવાનો દ્વારા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ ખેડૂતે થોડા દિવસ પહેલા જમીનના મુદ્દે આવેદન પત્ર આપ્યું હતું. જેનામાં તેમણે પ્રશ્ન હલ ન થાય તો આપઘાત કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના પ્રાસલી ખાતે માર્કેટિંગ યાર્ડના ઉદઘાટનનો કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાતના CM વિજય રૂપાણી દ્વારા માર્કેટિંગ યાર્ડને ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
આ ઉદઘાટન કાર્યક્રમ દરમિયાન કોડીનારના ડોળસા ગામમાં રહેતા ખેડૂત મસરીભાઇ અસરીભાઇ ડોડિયા કાર્યક્રમમાં આવી પહોંચ્યા હતા. જેમણે પોતાની પાસે રહેલી ઝેરી દવાની બોટલ કાઢીને દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, સ્થળ ઉપર હાજર પોલીસ કર્મચારીઓ તરત જ તેને પકડી પાડ્યો હતો.
ઝેરી દવા પી લેવાના કારણે ખેડૂતની તબિયત લથડી ગઈ હતી. જેના કારણે તેને તાત્કાલિક સારવાર માટે વેરાવળ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોડીનારના ડોળસા ગામના આ ખેડૂત દ્વારા થોડા દિવસ અગાઉ જ જમીનના મુદ્દાને લઇને તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ ખેડૂતની જમીન ઉપર કોઈના દ્વારા દબાણ કરવામાં આવ્યું છે. આ દબાણને હટાવવા માટે ખેડૂત દ્વારા તંત્રને આવેદનપત્ર આપ્યું હતું. આ પ્રશ્નનો ઉકેલ ન આવે તો તેણે આત્મહત્યા કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ ચીમકીના ભાગરૂપે આજે રવિવારે ખેડૂત મસરીભાઈ ડોડીયાએ સીએમ વિજય રૂપાણીના કાર્યક્રમમાં જ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો.