ગોંડલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી શાંતિ રહ્યા બાદ નેશનલ હાઈવે ભરૂડી ટોલનાકા પાસે બુધવારે સાંજે વૃદ્ધની જૂની અદાવતમાં હત્યા કરવામાં આવી છે. ગણતરીની કલાકોમાં જ આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક વૃદ્ધ દ્વારા 1993માં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. જેનું વેર રાખી બદલો લેવા વૃદ્ધની હત્યા કરાઇ હતી.
મળતી વિગતો મુજબ નેશનલ હાઇવે ભરૂડી ટોલનાકા પાસે અજયરાજ હોટેલની નજીક મૂળ શેમળાના અને છેલ્લા કેટલાક વર્ષોથી સરધારના બાળપર ગામે રહેતા કાળુભાઇ હીરાભાઈ સરસિયા(62) ઉભા હતા. ત્યારે કેટલાક શખ્સોએ દોડી આવી કાળુભાઇ ઉપર હુમલો કર્યો હતો. હુમલામાં આ વૃદ્ધ ગંભીર રીતે ઘવાયા હતા.
આથી તેને હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. ઘટનાની જાણ તાલુકા પીએસઆઇને થતા તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. હત્યામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
જેની હત્યા થઈ છે તેમના દ્વારા 1993માં શેમળા ગામે એક હત્યા કરવામાં આવી હતી. જેનો બદલો લેવા વર્ષોથી વેરની આગમાં સળગતા યુવાન દ્વારા ખૂન કા બદલા ખૂનનો ખેલ ખેલી હત્યા કરવામાં આવી હોવાનું ચર્ચાવા લાગ્યું હતું.