હિંમતનગર: હિંમતનગરના નવાનગર પાસે ત્રિપલ અકસ્માતની ઘટના બની હતી. જેમાં બે ટ્રેલર અને એક કાર અથડાતાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં હાજીપુર ગામના શિક્ષક દંપતીનું મોત નીપજ્યું હતું.
આ ગમખ્વાર અકસ્માતની ઘટના અંગે પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના નવાગામ પાસે આજે રવિવારે ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં બે ટ્રેલર અને એક કાર એક બીજા સાથે અથડાયા હતા. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે કારમાં સવાર બે વ્યક્તિના મોત નીપજ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ કારમાં સવાર જે બે વ્યક્તિના મોત નીપજ્યા છે તે બંને વ્યક્તિ પતિ-પત્ની હતા અને તેઓ હિંમતનગર તાલુકાના હાજીપુર ગામે રહેતા હતા અને બંને શિક્ષક હતા. સૂત્રોના જણાવ્યા મુજબ હાજીપુર ગામે રહેતું આ શિક્ષક દંપતી રવિવારે સવારે કાર લઈને મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના લોદરા ગામે જઈ રહ્યા હતા. ત્યારે નવાગામ નજીક બે ટ્રેલર ટ્રક સાથે તેમની કાર અથડાતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આ અંગે સ્થાનિક પોલીસને જાણ થતાં તુરંત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો બે ટ્રેલર ટ્રકની વચ્ચે આવી ગયેલી કારનો કડુસલો બોલી ગયો હતો. એટલું જ નહિ કારમાં સવાર શિક્ષક દંપતીના ઘટનાસ્થળ પર મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટના અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.