- વડોદરાઃ શાહરુખ ખાનને HCની રાહત
- વડોદરામાં નોંધાયેલી ફરિયાદ કરાઇ રદ્દ
- 2017માં ફિલ્મના પ્રમોશન આવ્યો શાહરુખ ખાન
- રેલ્વે સ્ટેશન પર 1 વ્યક્તિનું થયુ હતુ મોત
વર્ષ 2017માં શાહરૂખ ખાન તેની ફિલ્મ ‘રઈસ’ના પ્રમોશન માટે મુંબઈથી દિલ્હી ટ્રેનની મુસાફરી પર ગયો હતો. દરમિયાન, ટ્રેન તેના નિર્ધારિત સ્ટોપ વડોદરા સ્ટેશન પર ઉભી રહી હતી. તેની એક ઝલક મેળવવા રેલવે સ્ટેશન પર લોકોની ભીડ ઉમટી પડી હતી. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો.
ગુજરાત હાઈકોર્ટે બુધવારે અભિનેતા શાહરૂખ ખાન વિરુદ્ધ નોંધાયેલ ફોજદારી કેસને ફગાવી દીધો છે. આ સમગ્ર મામલો 2017નો છે, જ્યારે શાહરૂખ ખાન વડોદરા રેલવે સ્ટેશન પર તેની ફિલ્મ ‘રઈસ’નું પ્રમોશન કરી રહ્યો હતો, તે દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. વડોદરાના રહેવાસી જીતેન્દ્ર સોલંકીએ ફેબ્રુઆરી 2017માં શાહરૂખ ખાન વિરુદ્ધ આ કેસ દાખલ કર્યો હતો. ફરિયાદ મુજબ, અભિનેતાએ તેના ટ્રેનના કોચમાંથી ભેટ તરીકે સ્માઈલી સોફ્ટ બોલ, ટી-શર્ટ અને ગોગલ્સ રેલ્વે સ્ટેશન પર એકઠા થયેલા લોકો તરફ ફેંક્યા હતા, જેના કારણે ભાગદોડ મચી ગઈ હતી અને એક વ્યક્તિનું મોત થયું હતું.
શાહરૂખ ખાન તેની ફિલ્મ ‘રઈસ’ના પ્રમોશન માટે ઓગસ્ટ ક્રાંતિ એક્સપ્રેસમાં મુંબઈથી દિલ્હી ગયો હતો. આ ક્રમમાં તે વડોદરા રેલ્વે સ્ટેશન પર રોકાયો હતો. શાહરૂખ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો અને રેલવે એક્ટ હેઠળ અન્ય લોકોના જીવનને જોખમમાં મૂકતા કૃત્ય બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. શાહરૂખ પર આરોપ હતો કે તેનું કૃત્ય બેદરકારીભર્યું હતું. આ મામલામાં ચુકાદો સંભળાવતા જસ્ટિસ નિખિલ કરીલની બેંચે કહ્યું કે અભિનેતાના કૃત્યને બેદરકારીભર્યું કૃત્ય કહી શકાય નહીં.
હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં શું કહ્યું?
હાઈકોર્ટે પોતાના ચુકાદામાં એમ પણ કહ્યું હતું કે અભિનેતા દ્વારા કરવામાં આવેલા કૃત્યથી ભીડના કેટલાક સભ્યો ઉત્સાહિત થઈ શકે છે, પરંતુ તેના કૃત્યને ખૂબ બેદરકાર કહી શકાય નહીં. આ સિવાય તે એક એક્ટર છે અને પોતાની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો હતો. અભિનેતા પર જે કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે, તેની સામે કોઈ કેસ કરવામાં આવ્યો નથી. કોર્ટમાં રજૂ કરાયેલ તપાસ રિપોર્ટના આધારે જસ્ટિસે કહ્યું કે તે સમયે કેટલાક સંજોગો એવા હોવા જોઈએ જેના કારણે રેલવે સ્ટેશન પર આ ઘટના બની હતી.
શાહરૂખને મળવા બે ક્રિકેટર્સ પણ આવ્યા હતા
કોર્ટે કહ્યું કે શાહરૂખ ખાન જે ડબ્બામાં મુસાફરી કરી રહ્યો હતો તે પ્લેટફોર્મની સીડી પાસે રોકાઈ ગયો હતો, જ્યાં જગ્યા ખૂબ જ સાંકડી હતી. કોર્ટે એમ પણ કહ્યું કે પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે બળપ્રયોગ કરવો પડ્યો. તે જ સમયે, અભિનેતાને મળવા માટે બે આંતરરાષ્ટ્રીય ક્રિકેટર્સ પણ રેલ્વે સ્ટેશન પર આવ્યા હતા, જેના કારણે ભીડ કાબૂ બહાર થઈ ગઈ હતી.
નીચલી અદાલત દ્વારા સમન્સ જારી કરવામાં આવ્યા હતા
જસ્ટિસ નિખિલ કારિલે શાહરૂખ સામેના ફોજદારી કેસ અને તેની સામે વડોદરાની કોર્ટ દ્વારા જારી કરાયેલા સમન્સને રદ કરવાની તેની અરજીને મંજૂરી આપી હતી. શાહરૂખને ટ્રાયલ કોર્ટે કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (CrPC)ની કલમ 204 હેઠળ સમન્સ પાઠવ્યો હતો, ત્યાર બાદ તેણે હાઈકોર્ટમાં અરજી કરી હતી.