હિમતનગર,
સાબરકાંઠા જીલ્લામાં હિંમતનગરની આરટીઓ કચેરી ફરી એક વાર વિવાદમાં સપડાઇ છે. મહારાષ્ટ્રમાંથી ફ્રોડ કરીને વેચાયેલા વાહનો બોગસ દસ્તાવેજો ઉભા કરીને સેકન્ડ હેન્ડ તરીકે ગુજરાતમાં વેચાણ કરી રી-રજિસ્ટ્રેશન કરાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.
સાત જેટલા વાહનોના સેકન્ડ હેન્ડ વેચાણ તરીકે બોગસ દસ્તાવેજોના આધારે થયેલા રજીસ્ટ્રેશનને લઈને મહારાષ્ટ્ર પોલીસ તપાસ માટે આરટીઓ કચેરી ખાતે આવી હતી અને મહારાષ્ટ્રમાં ફ્રોડ કરીને વેચાણ થયેલા વાહનોના મૂળ માલિકોના કાગળો આપીને ગુજરાતમાં એ વાહનોના વેચાણ અને રજિસ્ટ્રેશનની માહિતી આપવા જણાવ્યુ છે.
આરટીઓ કચેરીના અધિકારીનું માનીએ તો સાતેય વાહનોને જુદા જુદા સમયે સેકંડ હેન્ડ તરીકે વેચાણ કરી રજીસ્ટ્રેશન કરેલ હોઈ તેના જે તે સમયના કાગળો અને વાહનના પુરાવાઓની તપાસ આરટીઓ કચેરી દ્વારા હાથ ધરાશે.
જો વાહનોના રી-રજીસ્ટ્રેશન કે પર પ્રાંતીય વાહનોના રજીસ્ટ્રેશન તરીકે આરટીઓ કચેરીમાં નોંધણી કરાવતી વેળાએ આરટીઓ કચેરીના કોઈ કર્મચારીએ કે એજન્ટે પુરાવાઓ બોગસ રજુ કર્યા હશે કે પૂરતા પુરાવાના અભાવે નવી નોંધણી કરી હશે, તો તે અંગે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને કર્મચારીઓ કે એજન્ટો સામે પગલા પણ ભરવામાં આવશે.
સાબરકાંઠાના એસ.આર.પટેલ આરટીઓ ઇન્સ્પેક્ટરનું કહેવું છે કે, મહારાષ્ટ્ર પોલીસ સાત વાહનોના રજીસ્ટ્રેશનને લઈને તપાસ અર્થે અહિયાં આવેલી અને રજીસ્ટ્રેશન વાહનના થયેલા દસ્તાવેજ લેવા આવેલ પરંતુ અહી દસ્તાવેજનું પ્રમાણ વધારે હોવાથી દસ્તાવેજ માટે ૧૫ દિવસમાં શોધીને આપવાનું કહ્યું હતું અને જો દસ્તાવેજ નહિ મળે તો દોષિત સામે કાર્યવાહી કરવામાં આવશે.પોલીસ તપાસ અંગે હેડ ઓફીસ એ પણ જાણ કરાઈ છે જેથી તે પણ કાર્યવાહી કરશે.
ઉલ્લેખનીય છે કે કેટલાક સમય અગાઉ ઉત્તર ભારતની ટ્રકો પણ આવી જ રીતે ખોટી નોંધણી કરાતા આરટીઓ કચેરી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આમ ફરી એકવાર હિમતનગરની આરટીઓ કચેરી મહારાષ્ટ્ર પોલીસની તપાસથી વિવાદમાં સપડાઈ છે.