અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ – ડીઝલના ભાવને કંટ્રોલ મુક્ત કરવામાં આવ્યા છે. જેના કારણે ઇન્ટરનેશનલ ભાવની વધઘટ સાથે તેના ભાવો વધતા ઘટતાં રહે છે. જો કે છેલ્લા ઘણાં સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવ રોજેરોજ બદલાઇ રહ્યાં છે. ત્યારે જે લોકો પેટ્રોલ કે ડીઝલ પુરાવે છે તેમને પણ રોજના ભાવની જાણકારી હોતી નથી. ત્યારે રાજ્યની સરકારી શાળામાં ધોરણ 4ના બાળકોને પ્રશ્નપત્રમાં ડીઝલના ભાવને લગતો સવાલ પૂછવામાં આવ્યો હતો.
ગુજરાતભરની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 થી 8 ની પરીક્ષા ચાલી રહી છે. જેમાં આ પરીક્ષા અંતર્ગત ધોરણ 4 માં ગણિત વિષયના પ્રશ્નપત્રમાં બાળકોને પેટ્રોલપંપનું એક ચિત્ર આપવામા આવ્યુ હતુ. જેમાં બાળકોએ 1 લિટર ડીઝલનો ભાવ કેટલો છે, બસમાં 50 ડિઝલ લિટર પુરાવ્યુ હોય તો કેટલા રૂપિયા થાય, 50 લિટર ડિઝલ પુરાવતા 2 મિનિટનો સમય થાય તો 100 લિટર પુરાવતા કેટલી મિનિટ લાગે તેવા સવાલો પૂછવામાં આવ્યાં હતાં.
આ ઉપરાંત કોર્પોરેશનની શાળામાં અપાયેલા પ્રશ્નપત્ર સારી રીતે પ્રિન્ટ પણ થયું ન હતું. જેના કારણે પ્રશ્નમાં જે ચિત્ર બતાવવામાં આવ્યું હતું તે પણ દેખાતું ન હતું. વિદ્યાર્થીઓ પણ પેટ્રોલપંપના ડીઝલના ખાનામા કેટલો ભાવ છે તે વાંચી જ શક્યા ન હતા. જેના કારણે વિદ્યાર્થીઓ સાચો જવાબ લખવામાં પણ અક્ષમ રહ્યાં હતાં.
શિક્ષકોએ પણ ફરિયાદ કરતા કહ્યું હતું કે, ‘ગ્રામ્ય વિસ્તારની સરકારી સ્કૂલોના બાળકો માટે ગણિતનું પેપર અઘરુ અને લાંબુ હતુ જેના કારણે બાળકો જવાબો લખી શક્યા ન હતા.’