કાલોલ,
કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે, આ ઉક્તિને સાચો ઠેરવતો એક ચકચારી ભર્યો બનાવ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના અડાદરા ગામમાં બન્યો છે. જ્યાં પત્ની અને પ્રેમી તથા તેના મિત્રએ ભલા ભોળા પતિની ઠંડા કલેજે હત્યા કરી નાખી અને આ હત્યા કાવતરાને અકસ્માતમાં ફેરવવાનો કારસો પણ રચ્યો ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવો આ સમગ્ર કિસ્સો છે.
કાલોલ તાલુકા અડાદરા ગામના સડકા નામના પેટા ફળિયામાં ગોપાલસિંહ પરમાર પોતાના બે પુત્રો અને તેમના પરિવાર સાથે રહે છે. ગોપાલસિંહના બે પુત્રો પૈકી નાનો પુત્ર દશરથસિંહનું અંદાજિત અઢી વર્ષ અગાઉ દિવ્યા નામની છોકરી સાથે લગ્ન કરાવ્યું હતું. લગ્નના થોડા મહિના પરિવાર સાથે વિતાવ્યા બાદ દશરથ પોતાની પત્ની દિવ્યાને લઈ કાલોલ તાલુકાના અલીન્દ્રા ગામે અલગ રહેવા માટે ગયો હતો.
દશરથ અને દિવ્યાને આ લગ્ન બાદ 1.5 વર્ષની બાળકીનો પણ જન્મ થયો. હાલોલ જીઆઇડીસીની સત્યમ નામની કંપનીમાં ફેબ્રીકેશનનું કામ કરતા દશરથને પોતાના વતન સડકાથી હાલોલ નોકરી આવાનું થોડું દૂર લગતા હાલોલ જીઆઇડીસી નજીક આવેલા અલીન્દ્રા ગામે પોતાની પત્ની સાથે રહેવા માટે જતો રહ્યો હતો.
જ્યાં સાથે જ નોકરી કરતા અને અલીન્દ્રા ગામના જ યોગેશ નામના એક યુવાન સાથે દશરથને ગાઢ મિત્રતા થઇ અને પોતાના ઘરે આવા સુધીના સંબંધો બંધાયા દરમ્યાન મિત્રતાની આડમાં યોગેશે દશરથની પત્ની દિવ્યા સાથે મન મેળાપ થયો અને લગ્નેતર સંબંધો વધુ ફુલ્યા ફાલ્યા દશરથની ગેર હાજરીમાં યોગેશ દિવ્યાને મળવા દરરોજ આવા લાગ્યો.
આ સમગ્ર બાબતોથી અજાણ દશરથ યોગેશને પોતાના સાચા મિત્રની રીતે જ જોતો હતો. પરંતુ યોગેશ અને દિવ્યાના લગ્નેત્તર સંબંધોની શંકા દશરથના પરિવારને જતા તેઓએ છેલ્લા ત્રણેક મહિનાથી દશરથને પત્ની દિવ્યા સાથે પોતાના વતન સડકામાં રહેવા માટે બોલાવી લીધો હતો.
હવે દશરથ દરરોજ સડકાથી હાલોલ જીઆઇડીસીમાં અપડાઉન કરતો હતો પરંતુ યોગેશ સાથે ગાઢ મિત્રતા હોવાથી યોગેશ દિવ્યાને મળવા સડકા ગામ સુધી આવા લાગ્યો હતો. છેલ્લા ઘણા સમયથી ચાલતા આ દિવ્યા અને યોગેશના લગ્નેત્તર સંબંધોમાં હવે જાણે કે દશરથ આડખીલી રૂપ થતો હોય તેમ યોગેશે પ્રેમિકાના પતિને રસ્તા માંથી હટાવવાનું કાવતરું રચ્યું.
ગત 1 ફેબ્રુઆરીના રોજ નિત્યક્રમ મુજબ દશરથ પોતાની કંપનીમાં ગયો હતો, પરંતુ નિયત સમયે પરત ન ફ્રરતા પિતા ગોપાલસિંહે દશરથને ફોન કર્યો હતો, જ્યાં દશરથે જણાવ્યું કે, સેકન્ડ શિફ્ટ કરી 6 વાગ્યે કંપનીથી નીકળ્યો હતો પરંતુ રસ્તામાં પેટ્રોલ ખૂટી જતા મિત્ર યોગેશને પેટ્રોલ લઈને આવે છે. દશરથ એ ક્યાં ખબર હતી કે આ પિતા સાથે તેની છેલ્લી વાતચીત હતી ?. પરંતુ સમય ઘણો વીત્યો હોવા છતાં પુત્ર દશરથ ઘરે ન આવતા પિતાએ ફોન કર્યો પરંતુ રિંગ વાગવા છતાં કોઈએ ફોન નહિ ઉપાડતા કૈક અજુગતું થયું હોવાની આશંકા ગોપાલસિંહ પોતાના પુત્રની શોધમાં નીકળ્યા હતા.
જ્યાં તપાસ કરતા કરતા આમલીયારા ગામની પાસે આવેલ કેનાલની બાજુની જગ્યા માં નીચે પડી રહેલ પુત્રની બાઈક જોઈ અને સાથેજ બેશુદ્ધ અવસ્થામાં પુત્ર દશરથને જોયો પિતા નજરો સમક્ષ યુવાન પુત્ર મૃત જેવી હાલતમાં પડી રહેતા પિતાના પગ તળે થી જમીન ખસી ગઈ હતી. પુત્રને જોતા બાઈક અકસ્માતમાં મૃત્યુ પામ્યો હોય તેમ લાગતા વેજલપુર પોલીસનો સંપર્ક કર્યો હતો.
મૃતક યુવાન દશરથના પિતાએ જયારે વેજલપુર પોલીસને પુત્રનું બાઈક અકસ્માતમાં મૃત્યુ થયું હોવાનું જણાવતા પોલીસે ઘટના સ્થળે જઈ વધુ તપાસ હાથ ધરી હતી, જ્યાં મૃત હાલતમાં પડેલ દશરથના શરીર ના ચિન્હો અને બાઈકની પરિસ્થતિ જોતા પોલીસને પહેલા જ આ અકસ્માત મૃત્યુ નહિ પરંતુ હત્યા હોવાનો શક ગયો હતો.
પોલીસના આ શક ને પોસ્ટમોર્ટમ રિપોર્ટે સત્ય ઠેરવ્યો હતો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, દશરથનું મૃત્યુ અકસ્માતથી નહિ પરંતુ ગળું દબાવવાને લીધે થયું છે અને પેટના ભાગે થી કોઈ ઝેરી દ્રવ્ય પણ પીવડાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. જે આધારે વેજલપુર પોલીસે કોલ ડીટેલ, યોગેશ જે પેટ્રોલ પમ્પ પર દશરથ માટે પેટ્રોલ લેવા ગયો હતો તેના સીસીટીવી ફૂટેજ અને સમય તથા અન્ય પુરાવાના આધારે તપાસ કરતા દશરથનું મૃત્યુ એ અકસ્માત નહિ પરંતુ લગ્નેત્તર સંબંધોમાં થયેલ હત્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, જયારે દશરથે પોતાના પરમ મિત્ર યોગેશને પેટ્રોલ ખુટ્યું હોવાનું જણાવ્યું ત્યારે યોગેશ ના મનમાં જ આ કાવતરું આકાર લઇ રહ્યું હતું અને પોતાના મામાના પુત્ર સચિનને સાથે લઇ પેટ્રોલ પંપેથી પેટ્રોલ લઈ દશરથ જે જગ્યા એ હતો ત્યાં પહોંચ્યો પહેલા દશરથ સાથે વાતો કરી અને નશા યુક્ત દ્રવ્યમાં ઝેરી દવા ભેળવી દશરથને પીવડાવી દીધી હતી.
જેની અસર થતા દશરથ બેભાન થઇ ગયો હતો અને પરંતુ શ્વાસ ચાલુ હોવાનું જણાતા યોગેશે ગળું દબાવી ઠંડા કલેજે દશરથની હત્યા કરી નાખી હતી. આ સમગ્ર મામલે દશરથની પત્ની દિવ્યાને પણ અગાઉ થી આ કાવતરાની જાણ હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
ત્યારે આ સમગ્ર મામલે વેજલપુર પોલીસે હત્યાના સ્થળેથી મળેલ બાઈક અને અન્ય પુરાવા એકઠા કરી દશરથની હત્યા કરનાર યોગેશ પરમાર, કાવતરામાં સાથ આપનાર સચિન પરમાર અને જેના લીધે આ સમગ્ર ચકચારી ઘટનાને અંજામ અપાયો તે દિવ્યાને હત્યા ના કાવતરામાં સામેલ હોવા અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.