ઉત્તર ગુજરાતના ઢુંઢર ગામમાં બે માસની બાળકી પર દુષ્કર્મ બાદ રાજ્યમાં પરપ્રાંતીય પર હુમલાના બનાવ બન્યા હતા. આ ઘટનાને માંડ બે મહિનાનો પણ સમય નથી વીત્યો ત્યાં અંજારના વરસાણાના બનાવને પગલે કચ્છ જિલ્લામાં ચકચાર મચી છે.
અંજાર તાલુકાના વરસાણા પાસે આવેલી એક કંપની પાસેના માર્ગ પર રમતી બે વર્ષની બાળા પર દુષ્કર્મનો ઘૃણાસ્પદ બનાવ સામે આવ્યો છે. 2 પરપ્રાંતીયોએ શ્રમિક પરિવારની બાળાને પોતાની વાસનાનો શિકાર બનાવીને દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસને સ્થાનિકોએ જાણ કર્યા બાદ બંનેને દબોચી લીધા હતા.
બે-અઢી વર્ષની માસુમ બાળકી પર બે નરાધમોએ સામૂહિક દુષ્કર્મનો બનાવ રાત્રે સાડા અગિયાર વાગ્યાના અરસામાં બન્યો હતો. અંજાર પોલીસે આપેલી માહિતી મુજબ પકડાયેલા બંને આરોપી ટ્રકના ક્લિનર છે. બાળકી રમતી હતી ત્યારે તેને ભોળવીને ટ્રકની નીચે લઈ ગયાં હતા અને દુષ્કર્મ ગુજાર્યું હતું.
ટ્રક નીચે લઈ જઈને બાળકી પર ઉદયપુર રાજસ્થાનના ભરત મોહનજી ગામેતી (ઉ.વ.33) અને રાજસ્થાનના સબલુકુમાર કાલુસિંહ ચૌહાણ (ઉ.વ. 22) દુષ્કર્મ ગુજારતાં તેણે બૂમાબૂમ કરી હતી. જેને પગલે આસપાસ રહેતા લોકોના ટોળા ઉમટ્યા હતા અને બંને દુષ્કર્મી રંગેહાથ ઝડપાયા હતા.
પોલીસે બંને આરોપીની અટકાયત કરી લીધી હતી. આરોપીઓ વિરુધ્ધ આઈપીસી 376, પોક્સો એક્ટ સહિતની કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.