રાજ્યમાં રવિવારે લોકરક્ષક દળની ભરતી માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. મહત્વનું છે, કે 9173 જેટલી ખાલી જગ્યાઓ માટે લોકરક્ષક દળની ભરતી કરવામાં આવી રહી છે. જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો આજે રાજ્યના અલગ -અલગ વિસ્તારોમાં પરીક્ષા આપવાના હતા.
પરંતુ મળી રહેલી ખબરો મુજબ, લોકરક્ષકની પ્રવેશ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. પેપર લીક થયું હોવાના કારણે આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. બપોરના 3 વાગે પરીક્ષા શરુ થવાની હતી, ત્યારે એક વાગે પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. બહારગામથી પરીક્ષા આપવા આવેલા ઉમેદવારો રઝળી પડ્યા હતા.
રક્ષા શક્તિ યુનિવર્સીટીના અધ્યક્ષ અને એડીઆઇજી વિકાસ સહાય દ્વારા જણાવ્યું હતું કે, કેટલાક અસામાજિક તત્વો દ્વારા પેપર લીક કરવામાં આવ્યું હોવાની વિગતો બહાર આવી છે, કઈ જગ્યાએથી પેપર લીક થયું છે તેની માહિતી મળી નથી. પેપર લીક થવાના કારણે આજે બપોરે ત્રણ વાગે લેવામાં આવનારી લોકરક્ષકની પરીક્ષાને રદ્દ કરવામાં આવી છે. આ પરીક્ષા આગામી એક મહિનામાં લેવામાં આવશે તેમ જણાવાયું હતું.
જણાવી દઈએ કે, લોકરક્ષક દળની આ પરીક્ષામાં 8 લાખ 76 હજાર નોકરી ઈચ્છુકોએ ફોર્મ ભર્યા હતા. રાજ્યમાં લોકરક્ષકની પરીક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં પોલીસ જવાનો પરીક્ષા સેન્ટરો પર ગોઠવી દેવામાં આવ્યા હતા. અમદાવાદમાં 283 સેન્ટરો પર પરીક્ષા યોજાવાની હતી.