આણંદ
આણંદમાં એક યુવાને વિધવા મહિલાને વિદેશ જવાની લાલચ આપીને દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી છે.આણંદ પાસે અજરપુરામાં યુવાન વિધવાને લગ્ન કરીને અમેરીકા લઈ જવાની લાલચ આપી જાળમાં ફસાવીને ગામના જ યુવકે ચાર મહિના સુધી રેપ કર્યો હતો.વિધવાએ પોતાની સાથે દુષ્કર્મ કરવા બદલ નૈનેશ ઉમેશભાઇ પટેલ સામે પોલિસ ફરિયાદ કરી છે.
આ ઘટના અંગે પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર અજરપુરામાં રહેતી 37 વર્ષની મહિલા એક પુત્રના જન્મ પછી પતિનું અવસાન થતાં વિધવા થઈ ગયાં હતાં. એકલા પોતાના પુત્ર સાથે જીવન વ્યતિત કરતી આ મહિલાનો સંપર્ક તેના જ ગામમાં રહેતા નૈનેશ પટેલ સાથે થયો હતો.નૈનેશે આ યુવતી સાથે લગ્ન કરવાની અને તેને દિકરા સાથે અમેરીકા લઈ જવાની લાલચ આપી ફોસલાવી હતી અને જણાવ્યું હતું કે તેના માતા-પિતા અમેરીકામાં છે અને તે પોતે પણ અમેરીકા જવાનો છે.
લગ્ન કરવાની અને વિદેશમાં જવાની લાલચ આપીને એકાંતમાં બોલાવીને તેમના પર ગત ૧૬ જાન્યુઆરીએ દુષ્કર્મ ગુજાર્યું હતું અને તેના બાદ અવાર નવાર સતત ચાર મહિના સુધી તેના પર અત્યાચાર ગુજાર્યો હતો અને તેને અમેરીકા જવા માટે કાગળો તૈયાર કરવાના બહાના હેઠળ મહિલા પાસેથી ૯ તોલા સોનાના દાગીના અને રૂપિયા પ૦ હજાર પડાવી લીધા હતાં
નૈનેશના અત્યાચારથી ત્રાસી ગયેલી યુવતીએ અમેરીકા જવા બાબતે તેની સાથે વાતચીત કરતાં તેણે સમગ્ર બાબતને ઉડાવી દીધી હતી. આથી યુવતીએ દાગીના અને રૃપિયા પરત માંગ્યા હતાં. પરંતુ નૈનેશે પરત આપવાની ના પાડી તેને તરછોડી દીધી હતી. નાસીપાસ થયેલી યુવતીએ ન્યાય મેળવવા માટે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ફરીયાદ કરતાં પોલીસે નૈનેશ સામે દુષ્કર્મ ગુજારવા ઉપરાંત વિશ્વાસઘાત અને છેતરપીંડીનો કેસ દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.