મંતવ્ય ન્યૂઝ,
મોરબીના ટ્રાવેલ્સ સંચાલકની તલવારના ઘા ઝીંકી ભત્રીજાઓ સહિતના છ આરોપીઓએ હત્યા કરી હતી. ત્યારબાદ ફરાર થયેલા આરોપીઓને ઝડપી લેવા પોલીસે જુદી જુદી ટીમો બનાવી વિવિધ દિશામાં તપાસ ચલાવી હતી અને એક સગીર વયના આરોપી સહિત ચાર આરોપીને નવલખી ફાટક નજીકથી ઝડપી લેવામાં આવ્યા હતા.
આ બાબતે વાત કરીએ તો મોરબી ના ગ્રીન ચોક વિસ્તારમાં રહેતા ધ્રુવકુમારસિંહ ઉર્ફે ટીનુભા પ્રહલાદસિંહ જાડેજાને ટ્રાવેલ્સનો વ્યવસાય હોય જેની બે દિવસ પહેલા વહેલી સવારે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ બબાલમાં અન્ય બે યુવાનોને ઈજા પહોંચી હતી ત્યારે હત્યાના બનાવ અંગે ફરિયાદી અર્જુનસિંહ દિગ્વિજયસિંહ ઝાલા રહે વાવડી રોડ મોરબી વાળાએ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદ મુજબ આરોપી જયરાજસિંહ વિજયસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ હરિસિંહ ઝાલા, મુકેશ ભરવાડ, કુમારભાઈ, એક સગીર આરોપી અને એક અજાણ્યા માણસે એકસંપ થઇને ધ્રુવકુમાર ઉર્ફે ટીનુંભા પ્રહલાદસિંહ જાડેજાની હત્યા નીપજાવી હતી. જેમાં ફરિયાદીના ડ્રાઈવર ધીમલભાઈએ આરોપી જયરાજસિંહ જાડેજા પાસેથી ઉછીના રૂપિયા લીધેલ હતા જે બાબતે અગાઉ બોલાચાલી અને ઝઘડો પણ થયો હતો. આ જ મામલે આરોપીઓએ આ લોકોને સમાધાન માટે બોલાવ્યા હતા. ત્યારબાદ વરના કાર તથા ક્રેંટા કારમાં આવીને મારી નાખવાના ઈરાદે ફરિયાદીની ગાડી ઉપર ફાયરીંગ કર્યું હતું તેમજ અન્ય આરોપીઓએ તલવાર વડે ધ્રુવકુમાર ઉર્ફે ટીનુંભા પ્રહલાદસિંહ જાડેજાને ઘા ઝીંકી દેતા ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યું હતું.
આ હત્યા અંગે પોલીસે ગુનો નોંધી એલસીબી, એસઓજી અને બી ડીવીઝનની ટીમોએ વિવિધ દિશામાં તપાસ ચલાવી હતી. જેમાં ગત રાત્રીના સમયે નવલખી ફાટક નજીકથી કારમાં આરોપી જયરાજસિંહ વિજયસિંહ જાડેજા (ઉ.વ.૨૧) રહે ગ્રીન ચોક, દિગ્વિજયસિંહ હરિસિંહ ઝાલા (ઉ.વ.૨૮) રહે સુરેન્દ્રનગર અને મુકેશ ઉર્ફે મુકલો મોમભાઈ ભરવાડ (ઉ.વ.૪૬) રહે ત્રાજપર અને એક સગીર વયના આરોપી સહીત ચારને ઝડપી લઈને હત્યામાં વપરાયેલ કાર જપ્ત કરી છે તેમજ અન્ય આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
જુઓ વીડિયો