ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની કામગીરી ઘણી સારી રહી છે. પહેલીવાર મહાનગર પાલિકાની ચૂંટણીમાં પાર્ટીએ પોતાનું નસીબ અજમાવ્યું હતું અને આ દરમિયાન AAP એ સુરત મહાનગર પાલિકામાં કોંગ્રેસને પાછળ રાખી બીજા સ્થાને આવી હતી. AAP ના વડા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પાર્ટીની કામગીરી પર ખુશી વ્યક્ત કરી હતી. આ સાથે કેજરીવાલે જાહેરાત કરી છે કે તેઓ 26 ફેબ્રુઆરીએ સુરતમાં એક રોડ શો કરશે અને ગુજરાતની જનતાનો આભાર માનશે.
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સુરત મહાનગર પાલિકામાં સૌથી મોટી પાર્ટી બની છે અને ભાજપે 93 બેઠકો જીતી લીધી છે. જો કે, આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને પાછળ રાખી 27 બેઠકો જીતી લીધી છે. કોંગ્રેસ સુરતમાં એક પણ બેઠક જીતી શકી નથી. આપના આ પ્રદર્શનને અરવિંદ કેજરીવાલે ગુજરાતના રાજકીયની નવી શરૂઆત ગણાવી છે. કેજરીવાલે આ પ્રસંગે ટ્વિટ કરીને ગુજરાતની જનતાનો આભાર માન્યો અને કહ્યું કે, નવી રાજનીતિ શરૂ કરવા બદલ ગુજરાતની જનતાને હાર્દિક અભિનંદન.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ ગુજરાતની જનતાનો આભાર માન્યો છે. તેમણે ટિ્વટ કર્યું કે, “દરેક મતદાતાનો દિલથી આભાર અને ગુજરાત નિગમની ચૂંટણીમાં ગુજરાતના લોકોએ જે પ્રેમ અને સમર્થન આપ્યું છે તેના માટે તમામ મતદાતાઓ ને અભિનંદન. સાથે મળીને આપણે કામનું રાજકારણ કરીશું. ”