અમદાવાદ: શહેરમાં ટ્રાફિક અને આડેધડ પાર્કિંગના મામલે હાઈકોર્ટે અમદાવાદ પોલીસને લગાવેલી ફટકાર બાદ વાહનચાલકો વિરુદ્ધમાં પગલાં લેવા મામલે પોલીસ એક્શન મોડમાં આવી ગઇ છે. હવે પોલીસ કારમાં લગાવાતી બ્લેક ફિલ્મનું વેચાણ કરતા કાર એસેસરીઝ શોપના ધારકો સામે કાર્યવાહી હાથ ધરશે. જેના ભાગરૂપે પોલીસ દ્વારા આવા શોપધારકોને નોટિસ ફટકારવામાં આવશે. અને જરૂર પડે તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ DCP ટ્રાફિક (વેસ્ટ) સંજય ખરાતે જણાવ્યું હતું.
શહેરમાં આડેધડ પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાઓને મામલે હાઈકોર્ટ દ્વારા અમદાવાદ પોલીસને ફટકાર લગાવવામાં આવી હતી. જેના પછી અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી હતી. જેના અંતર્ગત શહેરમાં ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરીને આડેધડ પાર્કિંગ, રોડ પરના ગેરકાયદેસર દબાણો, ટ્રાફિક નિયમોના ભંગ સહિતના મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ ઉપરાંત ટ્રાફિક પોલીસ દ્વારા થોડાક દિવસ અગાઉ કારના વિન્ડો અને ગ્લાસ પર બ્લેક ફિલ્મ લગાવીને ફરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે ગત સપ્તાહમાં દારૂ પીધેલા લોકોને પકડવા માટે ડ્રિંક એન્ડ ડ્રાઇવની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ પછી અમદાવાદ પોલીસ દ્વારા બ્લેક ફિલ્મના મામલે કાર પર બ્લેક ફિલ્મ લગાવનારા કાર એસેસરીઝ શોપના માલિકો સામે લાલ આંખ કરવામાં આવશે. જેના અંતર્ગત શહેરમાં ૫૦૦થી વધુ કાર એસેસરીઝ શોપના માલિકોને પોલીસ દ્વારા બ્લેક ફિલ્મ નહીં લગાવવા મામલે નોટિસ ફટકારવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના મીરજાપુર, મીઠાખળી, જજીસ બંગલો રોડ વિસ્તારને કાર એસેસરીઝ શોપ માટેનું હબ ગણવામાં આવે છે. આ વિસ્તારોમાં ૫૦૦થી પણ વધુ કાર એસેસરીઝની શોપ આવેલી છે. તમામ શોપમાં કારના વિન્ડો અને બેક તેમજ ફ્રન્ટ ગ્લાસ પર બ્લેક ફિલ્મ લગાવવાની કામગીરી થાય છે.
આ મામલે અમદાવાદ પોલીસના ડીસીપી ટ્રાફિક (અમદાવાદ વેસ્ટ) સંજય ખરાતે મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શહેરમાં કારના વિન્ડો અને ગ્લાસ પર બ્લેક ફિલ્મ લગાવીને ફરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 500 જેટલી કારના વિન્ડો અને ગ્લાસ પર લગાવાયેલી બ્લેક ફિલ્મોને દૂર કરવામાં આવી હતી અને રૂ. ૧૫૦૦થી વધુનો દંડ પણ વસુલવામાં આવ્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કારના વિન્ડો અને ગ્લાસ પર લગાવવામાં આવતી બ્લેક ફિલ્મોના મામલે સીધા તેના મૂળને પકડવાની જરૂરિયાત છે. જેના કારણે અમે આગામી ટૂંક સમયમાં આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેમાં બ્લેક ફિલ્મ લગાવી આપનાર કાર એસેસરીઝ શોપના માલિકોને નોટિસ આપવામાં આવશે અને તેમને કારના વિન્ડો અને ગ્લાસ પર બ્લેક ફિલ્મ નહીં લગાવવા જણાવાશે. આ નોટિસ મળી ગયા બાદ પણ જો તે લોકો કારના વિન્ડો અને ગ્લાસ પર ફિલ્મ લગાવશે તો તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ ડીસીપી સંજય ખરાતે જણાવ્યું હતું.
જો કે આ દરમિયાન ટ્રાફિક પોલીસે કારના વિન્ડો અને ગ્લાસ પરથી બ્લેક ફિલ્મ દૂર કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન એક માત્ર પશ્ચિમ વિસ્તારમાં જ અંદાજે ર૦૦થી વધુ કારચાલકો ઝપટે ચડ્યા હતા. આજે શહેરના પશ્ચિમ વિસ્તારમાં બ્લેક ફિલ્મ અંગે ટ્રાફિક પોલીસની ડ્રાઇવ ચાલુ રહેશે.