તાઉ-તે વાવાઝોડા વચ્ચે પણ ગુજરાત રાજ્યના નર્સિંગ સ્ટાફની હડતાલ યથાવત રહી છે. સરકારએ હડતાલ સમેટવા માટે એપેડેમીક એક્ટનું શસ્ત્ર ઉગામ્યું છે. છતાય નર્સિંગ સ્ટાફ પોતાની માંગણીઓને લઇ અડીખમ ઉભું છે. જો સરકાર તેમની માંગો નહીં માને તો અનિશ્ચિત સમય માટે હડતાળ પર જવાની ચિમકી ઉચ્ચારી છે.
પ્રમુખનું ટ્રાન્સફર
યૂનાઇટેડ નર્સ ફોરમના પ્રેસિડેન્ટ દિપકમલ વ્યાસની ગીર સોમનાથ અને વાઇસ પ્રેસિડેન્ટ ઇકબાલ કડીવાલાની રાજુલા, અમરેલી ખાતે બદલી કરી દેવામાં આવી છે. યૂનાઇટેડ નર્સ ફોરમના સભ્યોએ આ ઘટનાને વખોડી નાંખી છે અને જ્યા સુધી રાજ્ય સરકાર આ મુદ્દાઓનો ઉકેલ ના લાવે ત્યાં સુધી ઉગ્રતા પુર્વક વિરોધ કરવાનું કહી રહ્યા છે.
કાયમી સ્ટાફ હડતાલ પર હોવાથી હાલમાં નર્સિંગના વિધાર્થીઓ કોરોનાના કપરાકાળમાં હોસ્પિટલમાં દિવસ-રાત સેવા આપી રહ્યા છે. અમુક વખતે બેથી ત્રણ વિદ્યાર્થી જ આખા વોર્ડની દેખરેખ કરે છે, અમુક વખતે ઓવર ડ્યૂટી પણ કરવી પડે છે. તેમ છતાંય તેમને યોગ્ય વળતર આપવામાં આવી રહ્યું નથી. તથા નર્સિંગ સ્ટાફની કાયમી ભરતી કરવામાં આવી રહી નથી. ઉપરાંત જે નર્સિંગ સ્ટાફનું મૃત્યુ કોરોનાના કારણે થયુ છે, તેમાંથી ઘણાંને હજુ સુધી સહાય અપાઇ નથી. એ લોકોને જલદથી જલદ સહાય આપવામાં આવે તેવી માંગ નર્સિંગ સ્ટાફે કરી છે.
નર્સિંગ સ્ટાફની માંગો
કેન્દ્ર સરકારના ધોરણે તમામ ખાસ એલાઉન્સ (નર્સીગ, યુનિફોર્મ અને વોશીંગ) અને ગ્રેડ પે:
આઉટ સોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવામાં આવે
નર્સિંગ સ્ટૂડેન્ટ્સને યોગ્ય સ્ટાઇપેન્ડ
હાયર સ્કેલનો સ્લેબ 12-24ને બદલે 10-20-30 કરવામાં આવે
નર્સીસની અછત નિવારવા જરૂરી આયોજન
બઢતી, બદલી અને નવી જગ્યાઓ ઉપલબ્ધ કરાવવા
નર્સિંગ શિક્ષણ પરત્વે યોગ્ય આયોજન
કોવિડ ફરજો દરમિયાન નર્સિંગ સ્ટાફે એક પણ રજા નથી લીધી, જેને જમા કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવે
વર્ષ 2005માં નિમણૂક મેળવી ફરજો બજાવતા સ્ટાફ નર્સ સંવર્ગને ન્યાય
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ
એનપીએમ મેટર
સેપ્રેટ ડીરેક્ટોરેટ ઓફ નર્સિંગ (નર્સિંગ સેલ)ની રચના કરવી