ગાંધીનગર,
લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહમાં ગુજરાતમાં જાહેર સભાઓ ગજવવા આવી પહોંચશે.
ભાજપના સૂત્રોના કહેવા પ્રમાણે 10 એપ્રિલને બુધવારે વડાપ્રધાન મોદી જૂનાગઢ અને સોનગઢમાં ભાજપની ચૂંટણી સભાઓ સંબોધશે. ત્યારબાદ 17 એપ્રિલે તેઓ આણંદ સહિત સૌરાષ્ટ્રમાં પ્રચાર અભિયાનને આગળ ધપાવશે એમ પ્રદેશ ભાજપ તરફથી જણાવાયુ છે.
અગાઉ આણંદ લોકસભા મતક્ષેત્રના ઉમેદવાર મિતેષ પટેલના પ્રચાર માટે વલ્લભ વિદ્યાનગરમાં 10 એપ્રિલની સવારે વલ્લભ વિદ્યાનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજવાનો કાર્યક્રમો તૈયાર થયો હતો. પરંતુ, તેમના અત્યંત વ્યસ્ત શિડયુલને કારણે હવે આ સભા 17 એપ્રિલ પર નક્કી કરવામાં આવી છે.
વડાપ્રધાન મોદી 17 એપ્રિલે મધ્ય ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ ભાજપના પ્રચાર અભિયાનને આગળ વધારે તેના કાર્યક્રમો તૈયાર થઈ રહ્યા છે. આ તરફ વડાપ્રધાનની સભાની તારીખો બદલાતા આણંદ લોકસભામાં કોંગ્રેસના ગઢ એવા બોરસદ વિધાનસભા મતક્ષેત્રમાં મુખ્યમંત્રી સહિત પ્રદેશના નેતાઓ સોમવારે ચૂંટણી પ્રચારનો મોરચો સંભાળશે.