ગુજરાતમાં આર્યુવેદિક દવાના નામે નશાકારક સીરપ કાંડનું કૌભાંડ સામે આવ્યું છે. જેના બાદ રાજ્યની પોલીસ સતર્ક બનતા એકશન મોડમાં આવી છે. પોલીસે રાજ્યના તમામ મહાનગરોમાં દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરી. સુરત અને જામનગરમાં પાડવામાં આવેલ દરોડામાં મોટી માત્રામાં નશાકારક સીરપનો જથ્થો ઝડપાયો છે.
રાજ્યમાં આયુર્વેદિકના ઓથા હેઠળ નશાકારક સીરપ કૌભાંડ હડકંપ મચાવ્યો છે. જેના બાદ પોલીસે રાજ્યમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજી તમામ શંકાસ્પદ સ્થાનો પર રેડ પાડવાની કામગીરી હાથ ધરી. જામનગરમાં બે જગ્યાઓ પર દરોડા પાડતા મોટી માત્રામાં જથ્થો ઝડપાયો. પોલીસે હાથ ધરેલ દરોડામાં શહેરની બે પાનની દુકાનો પર નશાકારક સીરપનો જથ્થો મળી આવ્યો. જેના બાદ શહેરની તમામ પાનની દુકાનો પોલીસ રડારમાં છે.
જામનગરમાં સિક્કા વિસ્તારની પંચવટી સોસાયટીમાં દરોડો પાડ્યો. જેમાં એક પાનની દુકાન પર દરોડા પાડતા દુકાનમાંથી નશાકારક સીરપની 123 બોટલ ઝડપાઇ. પોલીસે સીરપની 123 બોટલ સહીત રૂ. 18,450નો મુદ્દામાલ કબ્જે કર્યો. જ્યારે શહેરમા અંબર ચોકડી પાસે આવેલ વિજય પાનની દુકાનમાં પાડેલ દરોડામાં નશાયુક્ત કોલડ્રિંક્સની 47 બોટલ ઝડપાઇ છે. વિજયપાનની દુકાન પરના દરોડામાં 47 બોટલ સહીત કુલ રૂપિયા 7050નો મુદ્દામાલ કબ્જે કર્યો. પોલીસે સુરતમાં ગોડાદરા, વરાછા, કાપોદ્રા, પુણા, અમરેલી વિસ્તારમાં દરોડા પાડતા મોટી માત્રામાં જથ્થો જપ્ત કર્યો. આર્યુવેદિક સીરપના નામે નશો કરવા ઉપયોગમાં લેવાતી સિરપનું વેચાણ કરતા 2.82 લાખ કિમંતનો 2155 બોટલો જપ્ત કરી.
ખેડામાં આયુર્વેદિક દવાના નામે વેચાણ થતી સિરપથી લોકોના મૃત્યુ નિપજ્યા છે. સમગ્ર મામલો સામે આવતા આયુર્વેદિક સીરપના નામે નશાકારક સિરપનું વેચાણ થતું હોવાનું કૌભાંડ સામે આવ્યું. ખેડામાં નશાકારક સિરપથી 5 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર હાલતમાં છે. આ સીરપનું રાજ્યના અન્ય ભાગોમાં થતા વેચાણ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી. આયુર્વેદિક સીરપના નામે નશાકારક વેચાણના રેકેટનો પર્દાફાશ થતા ગુજરાત પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી રાજ્યમાં શંકાસ્પદ સ્થાનો પર દરોડા પાડી તપાસ હાથ ધરી છે.