અમદાવાદ: અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખની નિમણુંકના મામલે ગુજરાત Congress કાર્યાલયમાં પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં હોબાળો મચાવીને તોડફોડ કરવાની ઘટના બની હતી. આ મામલે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા નીરવ બક્ષી સહિત આઠ કાર્યકરોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સોમવારે રાત્રે અમદાવાદ શહેર કોંગ્રેસ સહિત 12 શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખની નિમણુંક કરવામાં કરવામાં આવી હતી. જેમાં શશીકાન્ત વી. પટેલને અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે, પ્રશાંત સી. પટેલને વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અને ચિરાગ બ્રહ્મભટ્ટને નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી હતી.
જયારે પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ જે. રાઠોડને ભાવનગર જિલ્લા પ્રમુખ, વિનુભાઈ એસ. ઠાકોરને આણંદ જિલ્લા પ્રમુખ, પરિમલસિંહ એન. રાણાને ભરૂચ જિલ્લા પ્રમુખ, મોતીભાઈ ચૌધરીને ડાંગ જિલ્લા પ્રમુખ, રાજેશ એમ. ઝાલાને ખેડા જિલ્લા પ્રમુખ, હિતેશ એમ. વોરાને રાજકોટ જિલ્લા પ્રમુખ, યશપાલસિંહ જી. ઠાકોરને છોટા ઉદેપુર જિલ્લા પ્રમુખ, નાથાભાઈ બી. ઓડેદરાને પોરબંદર જિલ્લા પ્રમુખ અને ભીલાભાઈ ડી. ગામીતને તાપી જિલ્લા પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી હતી.
શહેર-જિલ્લા પ્રમુખોની નિમણુંક બાદ મંગળવારે બપોરના સમયે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પ્રદેશ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેના અંતર્ગત અમિત ચાવડા પત્રકાર પરિષદને સંબોધવાની તૈયાર કરી રહ્યા હતા ત્યારે અમદાવાદ શહેર કોંગ્રેસના મહામંત્રીપદેથી રાજીનામું આપનાર નીરવ બક્ષીના સમર્થનમાં કેટલાક કાર્યકરોનું ટોળું ધસી આવ્યું હતું. આ ટોળાએ પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા વિરોધ સૂત્રોચ્ચાર કરીને હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહીં, કાર્યાલયમાં તોડફોડ પણ કરી હતી.
પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં આવીને તા. ૨૬-૦૬-૨૦૧૮ ને મંગળવારના રોજ ટોળાં સાથે તોડફોડ, ધાંધલ-ધમાલ કરી પક્ષની પ્રતિષ્ઠાને નુક્શાન પહોંચાડવાનું કૃત્ય કરનાર આઠ વ્યક્તિને પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાની સુચના અનુસાર કોંગ્રેસ પક્ષમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદ શહેર મહામંત્રીપદેથી રાજીનામું આપનાર નીરવ બક્ષી, અમદાવાદ આઈટી સેલના શિવમ ભટ્ટ, રાજુ ઘોડીયા, ફાલ્ગુન મિસ્ત્રી, રાકેશ પરમાર, ચિરાગ કલાલ, ભુપેશ પ્રજાપતિ અને એનએસયુઆઇના અગ્રણી પવન કાપડીયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.