પોરબંદર,
આજના સમયમાં ખાનગી શાળાઓની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહયો છે. આવી સ્થિતિમાં સરકારી શાળાઓને જાળવી રાખવી ખુબ જ કપરી બની છે ત્યારે રાજય સરકારે સરકારી શાળાઓનું પણ આધુનિકરણ કરવાનું શરૂ કર્યું છે. ત્યારે પોરબંદર જીલ્લામાં એક સરકારી શાળાને સ્માર્ટ સ્કુલ જાહેર કરવામાં આવી છે.
પરંતુ શિક્ષાણ વિભાગના આયોજનના અભાવે છેલ્લા બે વર્ષોથી આ ડીજીટલ સ્કુલ શરૂ થઈ શકી નથી. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં આવેલી ૧૦૦ વર્ષ જુની કેશવ સ્કુલની પસંદગી કરવામાં આવી અને શાળાને પાંચ લેપટોપ, પાંચ પ્રોજેકટર સહિતના આધુનિક ટેકનોલોજીના સાધનો આપવામાં આવ્યા છે. પરંતુ આ સાધનો બે વર્ષથી ધુળ ખાઈ રહયા છે.
સ્કૂલમાં ડીજીટલ રૂમ માટેની ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી. જેથી વિદ્યાર્થીઓ હજુ જૂની રીતે જ શિક્ષણ મેળવી રહ્યા છે. મહત્વનું છે કે કુંજ પ્રોજેકટ અંતર્ગત કેટલીક શાળાઓનો સમાવેશ કરી અને આધુનિક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત સરકાર દ્વારા સ્માર્ટ શાળાનો પણ એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. પરંતુ શિક્ષાણ વિભાગની આ ઉદાસીનતાને કારણે શાળાના વિદ્યાર્થીઓને ડીજીટલ શિક્ષાણ મળી શકતુ નથી.