અમદાવાદ: રાજકોટમાં આવેલા જૂના માર્કેટ યાર્ડ ખાતે કાર્યરત શાકભાજી વિભાગમાં બટેટાના ભાવ રાતોરાત ગગડી ગયા હતા. એટલું જ નહી, કટિંગ ચાના કપ કરતાં પણ બટેટા સસ્તા થઈ ગયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આજે સોમવારે સીઝનનો સૌથી નીચો ભાવ કિલોગ્રામના રૂા.3 રહ્યો હતો. પંજાબથી નવા બટેટાની આવકો પૂરજોશમાં શરૂ થઈ જતાં સ્ટોકિસ્ટોએ માલના નિકાલ માટે જૂના બટેટાને પણ બજારમાં મૂકી દીધા હતા. જેના કારણે નવા અને જૂના બન્ને પ્રકારના બટેટાની આવકો વધી જવા પામી હતી.
આ કારણોસર આજે સોમવારે બટેટાના 50 કિલોના કટ્ટા રૂા.150ના ઉધડાભાવે વેચવામાં આવ્યા હોવાનું વેપારી વર્ગના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું.
રાજકોટના જૂના માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગના વેપારી આલમના સૂત્રોએ જણાવ્યું હતું કે, શિયાળાના પ્રારંભની સાથે પંજાબથી નવા બટેટાની આવકો પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે.
જયારે બીજી તરફ હાલમાં સ્થાનિક ગ્રામ્ય વિસ્તારોમાંથી લીલા શાકભાજીની પણ ફૂલ ચિક્કાર આવકો શરૂ થઈ રહી છે, જેના કારણે માર્કેટ યાર્ડમાં બટેટાના ભાવમાં રેકોર્ડબ્રેક ઘટાડો નોંધાયો હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, બટેટા હોય કે અન્ય કોઈ પણ ખેત ઉત્પાદન હોય તેના ભાવ માર્કેટ યાર્ડમાં ભલે ગમે તેટલાં નીચા ઉતરી ગયા હોય, પરંતુ આ નીચા ભાવોનો લાભ સીધો ગ્રાહકોને થતો નથી, પણ તેનો માત્રને માત્ર વચેટિયાઓ ખાઈ જતાં હોય છે.
સૌથી મહત્વની બાબત એ છે કે, માર્કેટ યાર્ડમાં બટેટાનો ભાવ ભલે ગમે તેટલો નીચે ઉતરી જાય પરંતુ તેનો સીધો લાભ ક્યારેય ગ્રાહકોને મળશે નહિ. આ લાભ માર્કેટ યાર્ડ સાથે સંકળાયેલા વચેટિયાઓ જ લઈ જાય છે.