IMDની આગાહી અનુસાર આગામી 7 દિવસ વરસાદનો માહોલ રહેશે. ગુજરાતમાં 8 અને 9 જુલાઈના રોજ ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે.
Gujarat Rain LIVE Update:
6 July
જૂનાગઢમાં 8 દિવસથી ગિરનાર રોપવે બંધ
જૂનાગઢમાં 8 દિવસથી ગિરનાર રોપવે બંધ કરવામાં આવ્યો છે. 28 જૂનથી રોપવે બંધ કરી દેવામાં આવ્યો છે. યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખી ગિરનાર પર્વત પર ભારે પવનને લીધે નિર્ણય લેવામાં આવ્યો છે. વાતાવરણ અનુકૂળ આવ્યા બાદ રોપવે શરૂ કરાશે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, મહિસાગર, ખેડા, આણંદમાં હળવાથી મધ્યમ વરસાદ વરસશે.
7 થી 9મી જુલાઈ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, મહિસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટમાં મધ્યમ વરસાદ થઈ શકે છે.
10મી અને 11મી જુલાઈએ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, મહિસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
પાવાગઢમાં સર્જાયા સુંદર દ્રશ્યો
ભારે વરસાદના કારણે પાવાગઢમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ડુંગર ઉપર વાદળો ઉતરી આવ્યાં હતા. ત્યારે આ રમણીય દ્દશ્યોને જોવા માટે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. સતત વરસાદના કારણે ડુંગર ઉપર સ્વર્ગ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
ડાંગમાં જનજીવન થયું પ્રભાવિત
ડાંગ જિલ્લામાં મેઘરાજાની બીજી ઇનિંગ શરૂ થઈ ગઈ છે. આહવા, વઘઇ અને સાપુતારામાં વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. ડાંગ, સાપુતારામાં વરસાદને કારણે અનેક એક્ટિવિટી બંધ કરી દેવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં આ 30 તાલુકામાં સોથી વધુ વરસાદ
જિલ્લા | તાલુકા | વરસાદ (મિમિ) |
સુરત | ઉમરપાડા | 124 |
નવસારી | વાંસડા | 114 |
વલસાડ | કપરાડા | 113 |
નવસારી | ખેરગામ | 111 |
વલસાડ | પારડી | 100 |
સુરત | કામરેજ | 100 |
ભાવનગર | વલ્લભીપુર | 95 |
નર્મદા | દેડિયાપાડા | 88 |
તાપી | ડોલવણ | 86 |
નર્મદા | તિલકવાડા | 84 |
ભાવનગર | ઉમરાળા | 77 |
વલસાડ | ધરમપુર | 74 |
સુરત | બારડોલી | 73 |
નવસારી | ચીખલી | 71 |
સુરત | મહુવા | 65 |
ડાંગ | વાઘાઈ | 65 |
તાપી | વાલોડ | 63 |
તાપી | વ્યારા | 63 |
નવસારી | નવસારી | 62 |
સુરત | સુરત શહેર | 58 |
સુરત | માંગરોળ | 56 |
ભરૂચ | નેત્રંગ | 55 |
તાપી | સોનગઢ | 54 |
નવસારી | જલાલપોર | 52 |
વલસાડ | વાપી | 47 |
ભાવનગર | ભાવનગર | 46 |
નવસારી | ગણદેવી | 45 |
સુરત | ઓલપાડ | 44 |
નર્મદા | સાગબારા | 43 |
સુરત | ચોરાસી | 41 |
વલસાડમાં વરસાદ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘો વરસ્યો છે. કપરાડાના જંગલ વિસ્તારમાં 4.5 ઇંચ, વરસાદથી નદી નાળા થયા વહેતા થયા છે. વાંકી નદીમાં આવ્યા નવા નીર.
સુરતના ઉમરપાડામાં 5 ઈંચ વરસાદ
સુરતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ઉમરપાડામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ પડ્યો છે. કામરેજ 4 ઇંચ, બારડોલીમાં 3 ઇંચ, સુરત શહેર 2.56 ઇંચ, મહુવામાં 2.5 ઇંચ, પલસાણા અને માંગરોળમાં 2.25 ઇંચ, ચોર્યાસી અને ઓલપાડમાં 1.78 ઇંચ વરસાદ પડ્યો છે.
ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વલભીપુરમાં સૌથી વધુ 95 મીમી વરસાદ, ઉમરાળા 77મીમી, તળાજા 25મીમી, પાલીતાણા 24મીમી ધોધમાર વરસાદ પડ્યો છે.
5 July
ભાવનગરમાં 13 ઈંચ વરસાદ
ભાવનગરના મહુવા શહેર અને ગ્રામ્યમાં બે દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થઈ ગયો છે. મહુવા પંથકમાં 13 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. અત્યાર સુધીમાં 45 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદ વરસતા જ બાળકો નહાવા માટે ઘરની બહાર નીકળી પડ્યા હતા.
વડોદરાના ડભોઇમાં મેઘો આવ્યો
વડોદરાના ડભોઇમાં મેઘરાજાએ લાંબા વિરામ બાદ એન્ટ્રી કરી છે. વડોદરા ગ્રામ્ય સીતપુર, ચનવાડામાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. ઓરડી, ધરમપુરીમાં પણ વરસાદ જોવા મળ્યો છે.
સાપુતારામાં વિઝિબિલિટી ઘટી
ગિરિમથક સાપુતારામાં વિઝિબિલિટીમાં ઘટાડો થતાં પ્રવાસીઓને અવર-જવર માટે તકલીફ પડી રહી છે. પ્રવાસીઓ હાલ ચાલતા જવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
નવસારીમાં વરસાદી માહોલ
નવસારીમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ખેરગામ, ચીખલી અને વાંસદામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ખેરગામમાં 3 ઇંચ, વાંસદામાં 2 ઇંચ, ચીખલીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. ખેરગામમાં ખેતરોમાં તેમજ કોતરોમાં પાણી જ પાણી વહી રહ્યા છે. ચીખલીમાં નદીઓમાં નવા નીરની આવક શરૂ થઇ છે.
આજે 10 વાગ્યા સુધીમાં રાજ્યના આ 20 તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસ્યો
જિલ્લા | તાલુકા | વરસાદ (મિમિ) |
નવસારી | ખેરગામ | 74 |
વલસાડ | કપરાડા | 56 |
નવસારી | વાંસડા | 51 |
સુરત | ઉમરપાડા | 48 |
સુરત | કામરેજ | 47 |
નર્મદા | દેડિયાપાડા | 32 |
સુરત | ઓલપાડ | 32 |
ડાંગ | વાઘાઈ | 31 |
નવસારી | ચીખલી | 29 |
સુરત | બારડોલી | 25 |
વલસાડ | ધરમપુર | 25 |
સુરત | માંગરોળ | 24 |
વલસાડ | વલસાડ | 23 |
વલસાડ | પારડી | 23 |
તાપી | ડોલવણ | 20 |
વલસાડ | ઉમરગામ | 15 |
સુરત | સુરત શહેર | 14 |
ખેડા | ગળતેશ્વર | 13 |
ગાંધીનગર | દહેગામ | 12 |
સુરત | માંડવી | 12 |
દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ
દક્ષિણ ગુજરાતમાં હવામાન ખાતાએ રેડ એલર્ટ આપ્યું છે. સુરત જિલ્લામાં વરસાદી માહોલ બરોબરનો જામ્યો છે. કામરેજ અને ઉમરપાડામાં 2 ઇંચ, ઓલપાડમાં 1.5 ઇંચ, માંગરોળ અને બારડોલીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરત સેન્ટ્રલમાં 31 મિમી, સાઉથમાં 6 મિમી વરસાદ, ઇસ્ટબીમાં 61 મિમી , વેસ્ટમાં 73 મિમી વરસાદ, નોર્થમાં 38 મિમી , સાઉથ ઇસ્ટમાં 13 મિમી વરસાદ, સાઉથ વેસ્ટમાં 13 મિમી વરસાદ નોંધાયો છે. સુરતમાં એકંદરે સારો વરસાદ રહ્યો છે. ઉમરપાડામાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે.
ડાંગમાં પ્રવાસીઓ ખુશખુશાલ
ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા પ્રકૃતિનો નજારો જોવા મળ્યો છે. ગિરિમથક સાપુતારામાં મુશળધાર વરસાદ પડ્યો છે. વઘઇ અને સુબિરમાં ધોધમાર વરસાદને લઇ પ્રવાસીઓમાં ખુશી જોવા મળી છે.
પાટણમાં વરસાદ બાદ ગંદકીથી મુસાફરો હેરાન
પાટણમાં ધોધમાર વરસાદ પડ્યા બાદ લોકો ખુશ થયા હતા, પરંતુ વરસાદના કારણે કેટલાય સ્થળો પર ગંદકી થવા પામી છે. પાટણમાં બસ સ્ટેન્ડની બિસ્માર હાલતમાં છે. બસ સ્ટેન્ડમાં કાદવ-કીચડના થર જામી ગયા છે.
કાદવ-કીચડના કારણે મુસાફરોને ભારે હાલાકીનો કરવો પડી રહ્યો છે. કીચડમાંથી પસાર થઇ બસમાં બેસવું પડે છે. તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. આગામી 3 થી 4 મહિના સુધી વરસાદ પડી શકે છે, આવા સંજોગોમાં ન જાણે કેટલાય મુસાફરોને કાદવમાંથી પસાર થવું પડશે.
તાપીમાં અવિરત વરસાદ
વહેલી સવારથી તાપી જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ, નિઝર, કુકરમુંડા અને ડોલવણમાં પણ વરસાદ પડ્યો છે. વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતો ડાંગરની રોપણીમાં જોડાયા છે. સોનગઢમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
નવસારીમાં બ્રેક પછી વરસાદ
નવસારી જિલ્લામાં વિરામબાદ વરસાદ શરૂ થયો છે. બે દિવસના ટૂંકા વિરામબાદ વાંસદા, ચીખલી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પ્રકૃતિને નવું જીવન મળ્યું હોય તેમ જણાઈ રહ્યું છે.
વલસાડમાં છુટોછવાયો વરસાદ
વલસાડ જિલ્લામાં છુટોછવાયો વરસાદ પડ્યો છે. તમામ તાલુકાઓમાં સવારથી વરસાદ પડી રહ્યો છે.
રાજકોટમાં પડ્યું ઝાપટું
રાજકોટના જસદણમાં વરસાદી ઝાપટા પડ્યા છે. આટકોટ સહિત વિસ્તારોમાં વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળ્યો છે. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.
દાહોદમાં ઓછો વરસાદ
દાહોદમાં હજુ ઈન્દ્રદેવે કૃપા કરી ન હોય તેમ લાગી રહ્યું છે. હજુ જોઈએ તે પ્રમાણે વરસાદ પડ્યો નથી. દાહોદમાં અત્યાર સુધીમાં 9.23 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે દાહોદ તાલુકાનો 15.45 ટકા વરસાદ પડયો છે. સૌથી ઓછો વરસાદ દેવગઢબારીયા તાલુકામાં 4.38 ટકા વરસાદ નોંધાયો છે.
ભરૂચમાં વર્ષા
ભરૂચનાં ઝઘડિયા પંથકમાં 24 કલાકમાં 4 મિમી જેટલો વરસાદ નોંધાયો છે. વહેલી સવારથી જ મુશળધાર વરસાદ વરસ્યો છે. રસ્તાઓ પાણીમાં ગયાબ થઈ ગયા હોવાનું જણાય છે.
ગિર સોમનાથમાં મેઘા રે મેઘા
ગિર સોમનાથ જીલ્લાનાં ઉનામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘાએ પધરામણી કરી છે. વરસાદની સાથે વાતાવરણમાં ઠંડક ફેલાઈ જવા પામી છે. બે દિવસ વિરામ લીધા બાદ ઊનામાં વરસાદ પડ્યો છે. વેરાવળ, સોમનાથમાં વરસાદનું આગમન થયું છે.
સુરતમાં વરસાદ ખાબક્યો
સુરત જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છેે. ઓલપાડમાં વહેલી સવારે પવન સાથે વરસાદ પડ્યો હતો. વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી. સાર્વત્રિક વરસાદને લઇ લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સુરતમાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. માંગરોળ, માંડવી, ઉમરપાડા પંથકમાં વરસાદ વહેલી સવારથી ધીમીધારે શરૂ થયો છે.
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ
અમદાવાદ શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. દિવસ દરમિયાન વાદળ ઘેરાયેલું રહ્યું હતું. બાદમાં અડધી રાત્રે મેઘરાજાએ શહેરને ભીંજવ્યું હતું.
ઓલપાડમાં વરસાદ
સુરતના ઓલપાડમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ઓલપાડમાં વહેલી સવારે પવન સાથે વરસાદ પડ્યો હતો. સાર્વત્રિક વરસાદને લઇ લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
4 July
પંચમહાલમા યાત્રાધામ પાવાગઢ ખાતે આહલાદક દ્રશ્યો સર્જાયા હતા. તેમજ ડુંગર પરનો રમણીય નજારો જોવા મળ્યો પણ જોવા હતો.વરસાદ પડતાજ વાતાવરણને લઈ ડુંગર કુદરતી સોંદર્ય સાથે ખીલી ઉઠ્યો હતો. અને ભક્તોએ દર્શનની સાથે કુદરતી નજારો પણ માન્યો હતો.
અમદાવાદના બાવળા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા વાહન ચાલકોને હાલાકી સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે આવી સ્થિતિ સર્જાતા પ્રી મોનસુનની કામગીરી પર સવાલો ઉભા થયા છે કે કામગીરી થાય પણ છે કે પછી કામગીરી માત્ર કાગળ પર જ દેખાઈ છે.
સાબરકાંઠાની મેશ્વો નદીમાં વરસાદ પડતા નવા નીરની આવક થઇ છે. તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદી બે કાંઠે વહી રહી છે.ત્યારે આસપાસના લોકો નદીમાં નિર્ જોવા ઉમટ્યા છે. જેને જોઇને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.વરસાદ પડવાને કારણે ગ્રામ્ય વિસ્તારોના જળસ્તર ઊંચા આવશે.
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે સતત ગરમી અને ઉકળાટ બાદ વરસાદ વરસતા ઠંડક પ્રસરી છે ત્યારે થોડા વિરામ બાદ ફરી ધીમીધારે વરસાદ ચાલુ થયો છે.
જુનાગઢમાં ભારે વરસાદથી શહેરના રસ્તાઓ બિસ્માર બન્યા છે,ત્યારે શહેરી વિસ્તારમાં કાદવ કીચડનું સામ્રાજ્ય વધ્યું છે અને મુખ્ય રસ્તાઓમાં પણ પડ્યા ખાડા છે.જેનાથી પરેશાન થઇ શહેરીજનોની રસ્તો બનાવવાની માંગ ઉઠી છે. જેને લઈને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને રસ્તો બનવાની રસ્તો બનાવવા ખાતરી આપી છે.
સાબરકાંઠામાં ભેસ્કા નદી બે કાંઠે વહેતી થઇ
સાબરકાંઠામાં ભેસ્કા નદી બે કાંઠે વહેતી થઇ છે. કાનપુર અને ગોધમજી વચ્ચેનો કોઝવે બંધ કરવામાં આવ્યો છે. મેઘરાજા મન મૂકીને વરસતા નદી નાળા છલકાયા છે. નદી બે કાંઠે વહેતી થતાં સ્થાનિકોમાં ખુશી જોવા મળી છે. કોઝવે પરથી પાણી પસાર થતા અવર જવર બંધ કરી દેવાઈ છે.
વલસાડ દરિયામાં જોવા મળ્યો કરંટ
વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દાંતી, કકવાડીના દરિયા કિનારે ઉંચા ઉંચા મોજા ઉછળ્યા છે.
માધવપુર-કુતિયાણા ઘેડ પંથક જળબંબાકાર
પોરબંદરમાં માધવપુર-કુતિયાણા ઘેડ પંથક જળબંબાકાર બની ગયો છે.
માધવપુરમાં ગ્રામ્ય વિસ્તારને જોડતા અનેક રસ્તાઓ બંધ થતાં વાહન વ્યવહાર થંભી ગયો છે. મોટાભાગના ગામો પાણીમાં ગરકાવ થવાના દ્રશ્યો સામે આવ્યા છે. ઓઝત-ભાદર નદીના ધસમસતા પ્રવાહને કારણે માધવપુરના ચિનગારીયાથી મંડેર માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. કોઈ પણ જાતના વાહન વ્યવહાર અને લોકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
સાબરકાંઠામાં ધોધમાર વરસાદ
સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા પેઢમાલા ગામ જળબંબાકાર થયું છે. ગાજવીજ સાથે મુશળધાર વરસાદથી હિંમતનગરના પેઢમાલા ગામ પાણીમાં તણાઈ ગયું છે. ડુંગર પરથી પાણી ગામમાં ઉતરતા પાણીના પ્રવાહથી ગામ બે ભાગમાં વહેંચાયુ છે.
બનાસકાંઠામાં વરસાદનો કહેર
વરસાદે આજે જાણે કે ઉત્તર ગુજરાતને નિશાને બનાવ્યું છે. પાલનપુર-અંબાજી હાઇવે પર પાણી ભરાયા છે. હાઇવે પર કેડ સમા ભરાતા હાઇવે પર વાહનચાલકો અટવાયા છે. વીરપુર પાટિયા નજીક ભરાયા વરસાદી પાણી ભરાતા પાણીનો નિકાલ થવાની પ્રજા રાહ જોઈ રહ્યા છે.
ઓલપાડ બન્યું લીલુંછમ
સુરતનાં ઓલપાડ વિસ્તારમાં મેઘો વરસી રહ્યો છે. ત્રણ ચાર દિવસથી જિલ્લામાં સાર્વત્રિક વરસાદે વિરામ લીધો હતો. ત્યારે આજે વહેલી સવારથી વરસાદી વાતાવરણ રહ્યું છે. ઓલપાડના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી લોકો ખુશ થયા છે. ચારે બાજુ વિસ્તાર લીલુંછમ દેખાતા લોકો વરસાદનો આનંદ માણી રહ્યા છે.
છોટાઉદેપુરમાં ધીમી ધારે વરસાદ
છોટાઉદેપુર જીલ્લાનાં બોડેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે. ચલામલી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.
મહેસાણામાં વરસાદી માહોલ
મહેસાણામાં સવાર 6 થી 10 વાગ્યાના વરસાદી આંકડા જોઈએ તો સતલાસણામાં 1.15 ઇંચ, ખેરાલુમાં 1.5 ઇંચ, વડનગર 1.5 ઇંચ, વિસનગર 5 મિમી વરસાદ પડ્યો હતો. બાકીના 6 તાલુકામાં વરસાદ નહીવત્ છે. ધરોઈ ડેમમાં વરસાદી પાણીની સામાન્ય આવક થવા પામી છે. ડેમમાં હાલની જળ સપાટી 600.67 ફૂટ છે. ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે.
દાંતામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ
બનાસકાંઠામાં સાડા આઠ ઈંચ વરસાદથી કલેક્ટર કચેરીમાં પાણી ભરાયા છે. કલેક્ટર કચેરીના પ્રવેશ દ્વારમાં જ પાણી ભરાતા કર્મચારીઓ પાણીમાંથી જવા મજબૂર બન્યા છે. સરકારી કચેરીમાં જ પાણી ભરાતા તંત્રની પ્રિમોન્સૂન પ્લાનની પોલ ખુલી છે. બનાસકાંઠા શહેરમાં એક કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. કીર્તિ સ્તંભ વિસ્તારમાં આવેલી દુકાનોમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારો, હાઈવે વિસ્તારોમાં પાણી ભરાયા છે. જૂના બસ સ્ટેન્ડમાં પાણી ભરાતા શાળાએ જતા વિદ્યાર્થીઓને આવવા જવામાં ખૂબ તકલીફ પડી રહી છે. બાળકો સમયસર શાળાએ પહોંચી શકતા નથી.
બનાસકાંઠાના દાંતામાં છેલ્લા 4 કલાકમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. સરકારી હોસ્પિટલમાં પાણી ભરાઈ જતાં દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવાની ફરજી પડી છે. સિવિલ હોસ્પિટલમાં સામાન્ય વરસાદથી પાણી ભરાઈ ગયા છે. સિવિલમાં ઘૂંટણસમા પાણી ભરાતા દર્દીઓને સારવાર આપવામાં તબીબો અને નર્સોને તકલીફ પડી રહી છે. પાણીનો સમયસર નિકાલ નહીં થઈ શકવાના કારણે એમ્બ્યુલન્સ મારફતે શિફ્ટ કરવામાં આવ્યા છે. માહિતી મુજબ દર વર્ષે દાંતા હોસ્પિટલમાં પાણી ભરાય છે. ત્યારે તંત્ર પણ દર્દીઓની સારવાર મામલે નીરસ દેખાયું છે. ઉદાસીન હોસ્પિટલ તંત્રને કારણે કેટલાય લોકો યોગ્ય સારવાર મેળવી શકતા નથી.
ભરૂચમાં ઝરમર ઝરમર વર્ષા
ભરૂચના હાંસોટ, અંકલેશ્વર ગ્રામ્યમાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. હાંસોટ પંથકમાં 24 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. વહેલી સવારથી ધીમીધારે ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે.
અરવલ્લીનું ભિલોડા પાણીમાં…
અરવલ્લીના ભિલોડામાં મોડી રાત્રે 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. વરસાદને લઈ ભિલોડાના રસ્તા નદીમાં ફેરવાઈ ગયા છે. સતત બે દિવસથી રાત્રિ દરમિયાન વરસાદ પડ્યો છે. લીલછા,ખલવાડ, માંકરોડા ગામોમાં વરસાદથી કપાસ, મગફળી, સોયાબીનના પાકોને ફાયદો થયો છે. મેશ્વો નદીમાં પણ નવા નીરની આવક ચાલુ થઈ છે.
માંગરોળ ઘેડ પંથકની મુલાકાતે મંતવ્ય ન્યુઝ
જૂનાગઢનાં માંગરોળ ઘેડ પંથકની મુલાકાતે મંતવ્ય ન્યુઝની ટીમ પહોંચી છે. પાણી ઓસર્યા બાદ તારાજીનાં દ્ગશ્યો સામે આવ્યા છે. સામરડાથી માધવપુર જતા રોડનું ધોવાણ થયું છે. જેથી લોકોને હજુ કેટલાય દિવસો સુધી અવરજવર કરવામાં તકલીફ વેઠવી પડશે. તંત્રની બેજવાબદારીપૂર્વકનું વલણ નાગરિકોને ભોગવવું પડે છે.
પાટણમાં ધીમી ધારે વરસાદ
પાટણ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ વરસવાનો શરૂ થયો છે. પાટણ, સિધ્ધપુરમાં ધીમી ધારે વર્ષાનું આગમન થયું હતું. વરસાદને લઇ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ધીમી ધારે વરસાદને લઇ પાક સારો થવાની આશા છે.
બનાસકાંઠામાં વહેલી સવારથી જ વરસાદ
બનાસકાંઠાના દાંતામાં વહેલી સવારથી જ મેઘો વરસી રહ્યો છે. વરસાદ ધમાકેદાર પડતા ઠેર ઠેર પાણી ભરાયા છે. દાંતા અને અન્ય તાલુકાઓમાં વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને આવરજવર કરવામાં તકલીફ પડી રહી છે. દાંતા સિવિલની અંદર પણ વરસાદી પાણી ભરાયા છે.
બીજી બાજુ થરાદમાં શાળામાં પાણી ભરાવાની ઘટના સામે આવી છે. બે દિવસ પહેલાના વરસાદી પાણી હજુય શાળામાં છે. અરટવાની શાળામાં હજી પાણી ભરાયેલા છે. પાણી ભરાતા બાળકો અને શિક્ષકો પરેશાન થઈ ગયા છે. વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં પણ તકલીફ વેઠવી પડી છે.
સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદ
સાબરકાંઠાના ચાર તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. પ્રાંતિજ, હિંમતનગર, ઇડર અને વડાલીમાં ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. રસ્તા અને સોસાયટીમાં પાણી ફરી વળ્યા છે. પાણીનો તાત્કાલિક નિકાલ ન થતાં મોન્સુન કામગીરી પર મોટા સવાલો ઊભા થયા છે.
સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગાજવીજ સાથે રાત્રે વરસાદ પડ્યો હતો. ઇડરમાં પોણા 4 ઇંચ, પ્રાંતિજમાં પોણા 2 ઇંચ, હિંમતનગરમાં સવા ઇંચ, વડાલીમાં પોણો 1 ઇંચ, તલોદમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં 8 તાલુકામાં 3 મિમી થી 82 મિમી સુધી વરસાદ નોંધાયો છે. વિજયનગર તાલુકમાં કડાકાભડાકા સાથે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
હિંમતનગરમાં ગાજવીજ સાથે વરસાદ
હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. કાંકણોલ, બેરણાં, આગીયોલ પંથકમાં સારો વરસાદ થયો હતો. ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. લોકોના ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું છે.
વલસાડ જિલ્લામાં લોકો મૂકાયા મુશ્કેલીમાં
વલસાડ જિલ્લા અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. વલસાડ, વાપી, ઉમરગાંવમાં ભારેથી અતિભારે વરસાદ પડતાં છીપવાડ, મોગરાવાડી, અંડરપાસ બ્રિજ પર પાણી ભરાયા છે. વાહનો અને મોટર સાયકલની અવરજવર મુશ્કેલ બની ગઈ છે. વાપી અંડર બ્રિજમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. વાપી સ્ટેશન રોડ પર સ્કૂલ વાન બંધ થઈ હતી. શાળાના બાળકો કારને ધક્કો મારતા જોવા મળ્યા હતા. કરોડોના ખર્ચે રસ્તા, પુલ બનાવવામાં આવતા હોવા છતાં વરસાદમાં રસ્તાઓ અને પુલ ધોવાઈ જાય છે. ત્યારે એવું પણ લાગે છે કે માર્ગોના બાંધકામ ન જાણે કેટલોય ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હશે… કેટલાય લોકોની જીંદગી રોજ દાવ પર લગાવવામાં આવે છે.
સાબરકાંઠામાં ઇડરિયા ગઢ પર નયનરમ્ય દ્રશ્યો સર્જાયા
સાબરકાંઠામાં ઇડરિયા ગઢ પર નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. વરસાદ આવતા ગઢ પરનાં ધોધ તેમજ ઝરણાં જીવંત થયાં છે. ડુંગર પરથી ઝરણાં અને ધોધ વહેતા થતાં મનમોહક દ્રશ્યો જોવા મળ્યા છે. ધોધ વહેતો થતાં કુદરતી નજારો જોવા લોકો ઉમટ્યાં છે.
બનાસકાંઠામાં હાઈવે પર પાણી ભરાયા
બનાસકાંઠાના લાખણીમાં બે ઇંચ વરસાદ પડતા હાઈવે પર પાણી ભરાયા છે. લાખણી – થરાદ હાઇવે પર વરસાદી પાણીથી વાહન ચાલકો પરેશાન થયા છે. નીચાણ વાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં રાહદારીઓ તેમજ વાહનચાલકોને હેરાનગતિ થઈ રહી છે. તો બીજી બાજુ બનાસકાંઠાનાં નડાબેટમાં ધોધમાર વરસાદથી રણમાં પાણી ભરાતા રણ દરિયો બન્યો છે.
જૂનાગઢમાં વરસાદને લઈ કલેક્ટરે આપી સૂચના
જૂનાગઢમાં ભારે વરસાદને લઇ તંત્ર એક્શનમાં આવ્યું છે. પ્રથમ વખત ગિરનાર પર વરસાદની નોંધણી કરવામાં આવી છે. કલેક્ટર અનિલ રાણાવસીયાએ માહિતી આપી છે. જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વત પર 12-12 ઇંચ વરસાદ ખાબકતાં જિલ્લામાં સ્ટેટ અને ગ્રામ્યના કુલ 50 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જૂનાગઢ જીલ્લાનાં 33 ગામ ભારે વરસાદથી સંપર્ક વિહોણાં થયા છે. સૌથી વધુ માણાવદરના 15 ગામ સંપર્ક વિહોણા થયા છે. માંગરોળના 11, કેશોદના 7 ગામ સંપર્ક વિહોણા બન્યા છે. NDRF અને SDRFની એક ટીમ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. જિલ્લાના 17 ડેમમાંથી 4 ડેમ ઓવરફ્લો થયા છે. શહેરની 400 માંથી 350 ફરિયાદનું નિરાકરણ કરી દેવાયું છે. જિલ્લામાં હજુ પણ ઓરેન્જ એલર્ટ જ છે. કોઇ જ જાનહાનિનાં સમાચાર મળ્યા નથી.
અમરેલીમાં ડેમની સપાટીમાં વધારો
અમરેલીના ડેમમાં પાણીની સપાટીમાં વધારો થયો છે. વડીયાના સાકરોળી ડેમમાં 13.5 ફૂટ પાણી ભરાતા વરસાદને કારણે સાકરોળી ડેમમાં નવા નીર આવ્યા છે. ગ્રામજનો તેમજ ખેડૂતો વરસાદના આગમનથી ખુશખુશાલ થયા છે.
વડોદરામાં લોકો વરસાદથી થયા હેરાન
વડોદરામાં ભારે વરસાદથી ગટરના પાણી ઘરોમાં ઘૂસ્યા છે. નવાયાર્ડ ખાટકીવાડમાં પાણી ઘરમાં ઘૂસ્યા છે. લકોના કામ ઠપ્પ થઈ ગયા છે. જનજીવન હાલ થંભી ગયું છે. તંત્રને આ મામલે વારંવાર ફરિયાદ કરવામાં આવી છતાં કોઈ નિરાકરણ કરાયું નથી. ગટરના પાણીનાં કારણે રોગચાળો ફેલાયો છે. ઝાડા ઉલટીના અનેક કેસો સામે આવ્યા છે. લોકો નર્કગાર પરિસ્થિતિમાં જીવી રહ્યા છે.
અરવલ્લીની ગિરિમાળાઓમાં સર્જાયા આહલાદક દ્રશ્યો
અરવલ્લીની ગિરિમાળાઓમાં આહલાદક દ્રશ્યો જોવા મળ્યા છે. ભગવાન શામળિયાના ધામમાં વરસાદની હેલી વરસી રહી હોવાની અનુભૂતિ થઈ રહી છે. વરસાદી માહોલમાં વાદળો વચ્ચે ગિરિમાળા ઘેરાઈ જવાથી નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. છેલ્લા ત્રણ દિવસમાં 1 થી 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
નવસારીમાં રેલ વ્યવહાર ખોરવાયો
નવસારી જિલ્લામાં વરસાદ આફત બન્યો છે. વરસાદના કારણે રેલવે સ્ટેશનનો શેડ તૂટ્યો છે. જલાલપોરના મરોલી રેલવે સ્ટેશનનો શેડ તૂટી પડ્યો છે. શેડ તૂટીને રેલવેની હાઈ ટેન્શન લાઇન પર પડ્યો હતો પરિણામે અડધો કલાક સુધી ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. યુદ્ધના ધોરણે શેડનો કાટમાળ હટાવવામાં આવ્યો છે. કાટમાળ હટાવી રેલ વ્યવહાર પૂર્વવત કરાયો છે.
સુરતમાં વૃક્ષ ધરાશાયી
સુરતમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. 48 કલાકમાં 70થી વધુ વૃક્ષ ધરાશાયી થયા છે. અઠવા ચોપાટી પાસે મૂળ સાથે જ ઘટાદાર વૃક્ષ ધરાશાયી થયું છે. જોકે, સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સુરત જિલ્લામાં મેઘરાજાની જમાવટ જોવા મળી છે. સુરતમાં કિમ નદી બે કાંઠે જોવા મળી છે. વરસાદને લઈને જળાશયો જીવંત થયા છે. કિમ નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. કિમ નદીમાં નવા નીર આવતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.
સાબરકાંઠામાં પડ્યો મેઘો
સાબરકાંઠામાં પણ તમામ તાલુકામાં વરસાદ પડ્યો છે. હિંમતનગર શહેર અને ગ્રામ્યમાં નીચાણવાળા વિસ્તારો પાણીથી અસરગ્રસ્ત થયા છે. પાણી નીકળવાનો કોઈ રસ્તો ન હોવાથી પાણી ભરાઈ ગયા છે.
ગુજરાતના 146 તાલુકામાં સવારે 06થી 12 વાગ્યા સુધી નવસારીના ચીખલીમાં સૌથી વધુ 3.7 ઈંચ વરસાદ નોંધાયો છે. અરવલ્લીના ભીલોડામાં 3.2 ઇંચ, બનાસકાંઠાના સુઈગામ અને વાવમાં 3 ઇંચ નોંધાયો છે.
નેશનલ હાઈવે પર ગાબડું
ભાવનગર સોમનાથ ને.હા. પર ગાબડું પડતાં લોકોનો જીવ જોખમમાં મૂકાયો છે. ભારે વરસાદમાં બ્રિજ ધોવાતાં સળીયા દેખાવા લાગ્યા છે. તંત્રની નબળી કામગીરી ઉુપર પણ સવાલો ઉઠ્યા છે. રાજુલાના હિંડોરણા નજીક બ્રિજમાં ગાબડું પડતાં વાહન ચાલકો અને રાહદારીઓ ઉપર જોખમ સર્જાયું છે. તાજેતરમાં બનેલ નવનિર્માણ બ્રિજ ઉપર નબળી ગુણવતાનું કામ સામે આવતાં ચોમાસાના પ્રથમ વરસાદે નેશનલ હાઈવેની પોલ ખોલી દીધી છે.
રાજકોટમાં ભાદર 2 ડેમ વરસાદથી ભરાયો
રાજકોટના ધોરાજીમાં ભાદર 2 ડેમ વરસાદથી ભરાયો છે. ભુખી ગામ નજીક આવેલ ડેમ સંપૂર્ણ ભરાતાં ખેડૂતોમાં ખુશી ફેલાઈ ગઈ છે. ઉપરવાસમાં વરસાદને કારણે ડેમ ભરાયો છે. ભાદર ડેમમાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે. પાક ઉગાડવા જરૂરી વરસાદ મળતાં જગતનો તાત ખુશ થયો છે.
ભાવનગરમાં લોકોના ઘરમાં પાણી ઘુસ્યા
ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મહુવાના ગ્રામ્ય વિસ્તારો,વાઘનગર નજીક નદીમાં પાણી ભરાયા છે. સુંદરનગરમાં લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા
છે જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
સુરત ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર પાણી
સુરત ગ્રામ્ય વિસ્તારો વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. પલસાણાનાં બલેશ્વર ગામે પાણી ભરાયા છે. ફળિયાના મુખ્ય માર્ગ પર ઘૂંટણ સમા પાણી ભરાતાં લોકોને પરેશાની વેઠવી પડી છે. ભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે. માંગરોળના વાંકલનામાં વૃક્ષ ધરાશાયી થયું છે. વેરાવી ફળિયામાં વડનું 100 વર્ષ જૂનું ઝાડ ધરાશાયી થઈ વીજપોલ પર પડ્યું છે. વીજપોલ તૂટી જતા વીજકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી કાગીરી હાથ ધરી છે.
ગિરમાં સર્જાયા મનમોહક દ્રશ્યો
ગિરમાં યાત્રાધામ તુલસીશ્યામમાં ધમધોકાર વરસાદ વરસતા લીલીછમ વનરાઈના આહ્લાદક દ્રશ્યો જોવા મળ્યા છે. વરસાદથી નદીઓ ચારે બાજુ વહેતી થઈ ગઈ છે.
વિલીંગ્ડન ડેમ ઓવર ફ્લો
જૂનાગઢ શહેરમાં વિલીંગ્ડન ડેમ સતત ઓવર ફ્લો થઈ રહ્યો છે. નયન રમ્ય નજારો જોવા લોકો ઉમટી પડ્યાં છે. નવાબી કાળનો ડેમ હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
2 જુલાઈ
બનાસકાંઠાના કાંકરેજમાં સાર્વત્રિક વરસાદ
બનાસકાંઠાના કાંકરેજમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. ધીમી ધારે વરસાદનાં આગમનથી ધરતીપુત્ર ખુશ થયા છે. કાંકરેજના થરા, ખારિયા, ટોટાણા, વડા, ડુંગરાસણ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. બનાસકાંઠાના થરાદમાં વહેલી સવારથી ગ્રામ્ય અને શહેરમાં વરસાદ પડી રહ્યો છે. બજાર અને બસ ડેપો આગળ ઠેર ઠેર પાણી ભરાયા છે.
મહેસાણા જળબંબાકાર
મહેસાણા જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. કડી વિસ્તારમાં ભારે વરસાદનાં પગલે પાણી ભરાયા છે. કડી છત્રાલ રોડ ઉપર જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. મહેસાણામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. રાધનપુર ચોકડીથી ગોપીનાળાનો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. એક કિલોમીટર સુધીનો રોડ વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થઈ ગયો છે.
વલસાડમાં પવન સાથે વરસાદ, વાહનો કતારમાં
વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ઝડપી પવન સાથે તોફાની વરસાદ વરસી રહ્યો છે. વાપી શામળાજી હાઇવે પર વૃક્ષ ધરાસાયી શયું છે. કપરાડાના બાલચોંડી નજીક મહાકાય નીલગીરીનું વૃક્ષ હાઇવેની વચ્ચે જ પડ્યું હોવાથીકલાકો સુધી વાહન વ્યવહાર ઠપ્પ થતાં ત્રણ કિલોમીટરથી વધુ વાહનોની લાંબી કતાર જોવા મળી છે. વાપી શામળાજી હાઇવે પર ટ્રાફિક જામને કારણે નાસિક, ધરમપુર અને પારડી તરફનો વાહન વ્યવહાર અટકી ગયો છે.
જૂનાગઢ માંગરોળ પંથક બેટમાં ફેરવાયું
જૂનાગઢ માળીયાહાટીનામાં ગઈકાલથી સતત ધોધમાર વરસાદ વરસતાં માંગરોળ પંથક જળબંબાકાર થઈ ગયું છે. ઓઝત નદીનાં પાળો તૂટતાં ચારે બાજુ પાણી ફરી વળ્યા છે. માંગરોળ ઘેડ પંથકના ગામો બેટમાં ફેરવાયા છે. નજીકનાગામોમાં વીજળી ગૂલ થઈ છે અને માંગરોળ ઘેડ પંથકના ગામો સંપર્ક વિહોણા બન્યા છે.
નવસારીમાં અનરાધાર મેઘો
નવસારી જિલ્લામાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે. નવસારી, જલાલપોરમાં શ્રીકાર વર્ષા થઈ રહી છે. 24 કલાકમાં નવસારીમાં સાડા આઠ ઇંચ વરસાદ વરસ્યો છે. જલાલપોર તાલુકામાં આઠ ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારી, જલાલપોરની શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. જિલ્લા કલેકટરે ટ્વીટ કરી સૂચના આપી છે.
પ્રાંચી તીર્થમાં માધવરાયજી મંદિર પાણીમાં ગરકાવ
ગિર સોમનાથમાં સુપ્રસિદ્ધ પ્રાંચી તીર્થમાં માધવરાયજી મંદિર પાણીમાં ગરકાવ થયું છે. નદીમાં નવા નીર આવતાં વધામણા કરાયા છે. ભગવાન માધવરાય પાણીમાં ગરકાવ થયા છે.
રાજકોટમાં વરસાદ
રાજકોટમાં જસદણના આટકોટમાં વરસાદી માહોલ છે. આટકોટ, ખારચીયા સહિત વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદ પડતાં રસ્તા પર પાણી વહ્યા છે. પવન સાથે ધોધમાર વરસાદ પડતાં લોકો ઘરમાં ભરાઈ રહ્યાં છે. વરસાદના પગલે કુલ 14 ડેમોમાં 24 કલાકમાં નવા નીરની આવક થઇ છે. જેમાં ભાદર ડેમમાં 0.62 ફૂટ, વેણુ ડેમમાં 7.35 ફૂટ, આજી-3 ડેમમાં 3.41 ફૂટ,સોડવદર ડેમમાં 5.58 ફૂટ, સુરવો ડેમમાં 16.08 ફૂટ, મોજ ડેમ 4.20, ફોફળ ડેમ 2.40 ફૂટ, આજી-2 ડેમ 0.10 ફૂટ, સુરવો ડેમ 10 ફૂટ, ન્યારી-2 ડેમ 0.33, છાપરાવાડી-2 ડેમ 4.59 ફૂટ અને ભાદર-2 ડેમ 15.26 ફૂટ નવા નીરની આવક થઈ છે.
હિરણ નદીમાં નવા નીર આવ્યા
તાલાલાની હિરણ નદીમાં આવ્યા નવા નીર આવતાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. સમગ્ર ગીર પંથકમાં હરિયાળી છવાઈ ગઈ છે. સહેલાણીઓ પ્રકૃતિની મજા માણી રહ્યાં છે.
ગિરનારમાં વરસાદના સુંદર દ્રશ્યો
ગિરનાર પર ધોધમાર વરસાદના દ્રશ્યો જોવા મળ્યા છે. પગથિયા પરથી પાણી વહેતા થયાના સુંદર દ્રશ્યો જોવા મળ્યા છે. એવું લાગી રહ્યું છે કે જાણે ધોધ પડી રહ્યો છે. ગિરનાર પર્વતનો અદભુત નજારો સામે આવ્યો છે. પણ પગથિયા ઉપર પાણી ફરી વળતાં યાત્રાળુઓને મુશ્કેલી વેઠવી પડી છે. પ્રવાસીઓ પ્રકૃતિની રમણીય મજા માણી રહ્યાં છે.
સવારે 10 વાગ્યા સુધીમાં 15 તાલુકામાં સૌથી વધુ વરસાદ
જિલ્લા | તાલુકા | વરસાદ (ઇંચ) |
અરવલ્લી | ભિલોડા | 3.03 |
બનાસકાંઠા | સુઇગામ | 2.56 |
નવસારી | ચીખલી | 2.52 |
સુરત | ઓલપાડ | 1.85 |
મહેસાણા | બેચરાજી | 1.77 |
નવસારી | ખેરગામ | 1.65 |
ડાંગ | વાઘાઈ | 1.57 |
સાબરકાંઠા | તલોદ | 1.38 |
નવસારી | વાંસડા | 1.34 |
તાપી | ડોલવણ | 1.26 |
મહેસાણા | જોટાણા | 1.22 |
અમરેલી | સાવર કુંડલા | 1.10 |
વલસાડ | વલસાડ | 1.06 |
મહેસાણા | કડી | 0.98 |
તાપી | વાલોડ | 0.98 |
સાબરકાંઠામાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં
સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. તલોદમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોને આવનજાવન કરવામાં મુશ્કેલી પડી રહી છે. ગાંભોઈ સર્વિસ રોડ પર વાહનચાલકો સહિત સ્થાનિકો હેરાન થયા છે.
પાટણમાં ધીમી ધારે વરસાદ
પાટણમાં વહેલી સવારથી મેઘસવારી આવી પહોંચી છે. સાતલપુર અને આજુબાજુના ગામોમાં વરસાદ વરસ્યો છે. પાટણ,રાધનપુર સહિત તાલુકામાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. પરિણામે લોકોમાં ખુશીઓ જોવા મળી છે. ખેડૂતો મેઘાના આગમનથી ખુશ થઈ ગયા છે. રાધનપુર, પીપળી, શબ્દલપુરામાં પણ વરસાદ પડ્યો છે. ભારે વરસાદથી લોકોના ઘર, દુકાન પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
ભરૂચમાં સાર્વત્રિક વરસાદ
ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. હાંસોટમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો છે. અંકલેશ્વર 3.5 ઇંચ, ભરૂચ 2.5 ઇંચ, વાલિયા, નેત્રંગમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે.
અમરેલીમાં ગ્રામ્ય વિસ્તારો વર્ષાથી અસરગ્રસ્ત
અમરેલીમાં રાજુલામાં બે દિવસથી મેઘરાજાનું આગમન થયું છે. મોડીરાત્રિથી પવન સાથે ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે. રાજુલા શહેર સહિત ગ્રામ્યમાં વરસાદ પડયો છે. રાજુલાના ડુંગર, મોરંગી વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. માંડળ, વિકટર, કુંભારીયા, દેવકા પણ વરસાદથી અસરગ્રસ્ત થયું છે. અવિરત વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાયા છે.
વંથલીમાં 14 ઈંચ વરસાદ
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે તંત્રએ શાળાઓમાં રજા જાહેર કરી છે. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આજે રજા જાહેર અપાઈ છે. તેમજ રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. વરસાદના આંકડા મુજબ 22 કલાકમાં સૌથી વધુ વંથલી તાલુકામાં 14.44 ઈંચ વરસાદ પડ્યો છે.
સુરતમાં મોડી રાત્રે વૃક્ષ ધરાશાયી
સુરત જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. ઓલપાડમાં રાત્રે પવન સાથે વરસાદ પડતાં ઓલપાડ સાયણ રોડ પર વૃક્ષ ધરાશાયી થયું હતું. વાન પર વૃક્ષ પડતાં વાનને નુકસાન થયું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી.
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્રમાં 24 કલાક અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલીના રાજુલામાં સાંબેલાધાર મેઘ સવારી પહોંચી ગઈ હતી. મુશળધાર વરસાદથી શહેરમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી રહી હતી.
મોરબીમાં અનરાધાર વરસાદ
મોરબીમાં સાર્વત્રિક વરસાદથી બે દિવસથી શહેરમાં સારો વરસાદ વરસ્યો છે. મચ્છુ 3 ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં ડેમનો એક દરવાજો અડધા ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે. તેમજ જીવના જોખમનાં કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.
મોરબીમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિનાં સમયે ભારે પવનનાં સૂસવાટા સાથે અનરાધાર વરસાદ વરસ્યો હતો.
વલસાડમાં મુશળધાર વરસાદ
વલસાડ જિલ્લામાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો. મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી શહેરના નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી છે. કૈલાસ રોડ, દાણા બજાર વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. તેમજ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં સૌથી વધુ 4.2 ઇંચ વરસાદ નોંધાયો છે. વાપીમાં 3 ઇંચ, કપરાડા 2.72 ઇંચ, ઉમરગામ 2 ઇંચ,પારડી 1.8 ઇંચ, ધરમપુરમાં 1.8 ઇંચ વરસાદ પડ્યો છે. વર્ષાને કારણે શાંતિવન એપાર્ટમેન્ટમાં પાણી ભરાયા છે.
દામોદર કુંડનું રૌદ્ર સ્વરૂપ
જૂનાગઢમાં દામોદર કુંડનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. મોડી રાત્રે ગિરનારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટના સામે આવી છે. મધ્ય રાત્રિએ 4.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. નરસિંહ મહેતા સરોવર ઓવરફલો થતાં નજીકની સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા હતા.
જૂનાગઢમાં ઝાંઝરડા અંડર બ્રિજમાં પાણી
જૂનાગઢમાં ઝાંઝરડા અંડર બ્રિજમાં પાણી ભરાતાં વાહન ફસાયું છે. સ્થાનિક લોકોએની મદદથી વાહનને કાઢ્યું હતું. પાણી ભરાતાં વાહન વ્યવહાર ખોરવાયો છે. ભારે વરસાદથી લોકો મુશ્કેલીમાં મૂકાયા છે.
વિસાવદરમાં સૌથી વધુ 6.5 ઇંચ વરસાદ પડ્યો છે. વંથલીમાં 6 ઇંચ, જૂનાગઢ શહેરમાં 5 ઇંચ, ભેંસાણમાં 2.5 ઇંચ, માણાવદરમાં 1 ઇંચ, તેમજ મેંદરડામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.
ભાવનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો
ભાવનગરના જેસર તાલુકામાં મોડી રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. બિલા, શાંતિનગર, ઉગલવાણમાં પવન સાથે વરસાદ પડ્યો હતો. ઉપરાંત, ઉપરવાસમાં વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે.
ભાવનગર ડેમમાં પાણીની આવક વધી
ભાવનગર શેત્રુજીમાં ઉપરવાસના વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધી છે. હાલ ડેમમાં 807 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે. હાલ શેત્રુજીમાં 15 ફૂટ 8 ઇંચ પાણી ભરાયું છે.
કચ્છના લખપતમાં મીની વાવાઝોડું
કચ્છના લખપતના જાડવામાં મીની વાવાઝોડું આવતાં 40 થી 50 મકાનોનાં છાપરા ઉડ્યા હતા. એક બાળક સહિત 3 લોકોને ઇજા પહોંચી છે. વરસાદની સાથે ભારે પવન ફૂંકાતા ઘરવખરીનાં સામાનને નુકસાન થયું છે.
જૂનાગઢના માંગરોળનું ફૂલરામા ગામ બેટમાં ફેરવાયું છે.ઓઝત નદીની પાળ તૂટતા ગામ બેટમાં ફેરવાયું જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.પ્રથમ વરસાદમાં જ ઘેડ પંથકના ગામો બેટમાં ફેરવાયા છે.લોકોના ઘરમાં પાણી ઘૂસતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
જૂનાગઢના વંથલી પંથકમાં મેઘરાજા મહેરબાન થયા છે.રાત્રીથી જ ધોધમાર વરસાદ યથાવત છે.અત્યાર સુધીમાં 12 ઇંચ વરસાદ નોંધાયો છે. વંથલી સહિત ગ્રામ્ય પંથકોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગીર સોમનાથના ઉના નવાબંદરનો દરીયો તોફાની બન્યો છે.દરીયાના ભયાનક દ્રશ્યો કેમેરામાં કેદ થાય છે. ચોમાસાની દરમિયાન માછીમારોને દરીયા ન ખેડવા સુચના આપવામાં આવી છે.
આણંદમાં ચોમાસાની શરૂઆતમાં જ વૃક્ષો ધરાશાયી થવા લાગ્યા છે શહેરની મહેન્દ્ર શાહ હોસ્પિટલ પાસે વૃક્ષ ધરાશાયી થતા 1નું મોત નીપજ્યું છે. જે બાદ ન.પા ના પ્રિમોન્સૂન કામગીરીની પર સવાલ ઉભા થયા છે.અગાઉ પણ 100 ફૂટ રોડ પર વૃક્ષ એકટીવા પડ્યુ હતુ.
જૂનાગઢમાં મંતવ્ય ન્યૂઝ મરમઠ ગામે પહોંચ્યું છે. માણાવદર તાલુકાનું મરમઠ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. રસ્તા ઉપર ત્રણથી ચાર ફૂટ પાણી ભરાયા છે. વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. બિયારણ ધોવાઈ જતા ખેડૂતોને પડતા પર પાટુ પડ્યું છે. ગ્રામજનોએ સરકાર પાસે વળતરની માગ કરી છે. ખેડૂતોનો પાક ધોવાતા મોટું નુકસાન થયું છે.
હિંમતનગર, માલીવાળા, છાપરિયા, મહેતાપુરા, પોલોગ્રાઉન્ડ વિસ્તાર કાંકનોલ, મોતીપુરા, હડિયોલ, કાટવાડ, હાપા પોલાચપુર, નવલપુર, લાલપુર, સતનગર, ઇલોલ, પાનપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. લોકોને ગરમીથી આંશિક રાહત થઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનોસામનો કરવો પડી રહ્યો છે. નેશનલ હાઇવે રોડ પર મંથરગતિએ ચાલતા કામને લઇ વાહન ચાલકો પરેશાન થયા છે.
અમરેલીના રાજુલામાં ધોધમાર વરસાદ પડ્યો છે. હિંડોરણા, છતડીયા, જુની માંડરડીસ, કોટડી, ખાંખબાઇ સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો છે.
બોટાદનાં ગઢડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. ઢસાગામમાં બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદ થતાં શેરીઓમાં પાણી ફરી વળ્યાં છે.
ઢસાના આજુબાજુના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.
સાબરકાંઠાનાં ઈડર,હિંમતનગર, પ્રાંતિજ સહિતના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઈડરમાં અવિરત વરસાદને લઇ જનજીવન પ્રભાવિત થયું છે. બે દિવસથી ઈડર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. વરસાદી માહોલને કારણે તંત્રની પોલ ખુલી પડી છે. પ્રીમોન્સુન કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં 51.58 ટકા પાણી ભરાયા છે.
પોરબંદરના કુતિયાણામાં અતિભારે વરસાદથી જનજીવન થંભી ગયું છે. મુશળધાર વરસાદથી પોરબંદર જૂનાગઢ સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યો છે. સરાડીયા ગામ પાસે પાણી ફરી વળતાં રોડ પર વાહનો થંભી ગયા છે. કુતિયાણા પોલીસ દ્વારા રસ્તો બંધ કરાયો છે. ગ્રામ્ય પંથકમાં જ 8 ઇંચથી વધુ વરસાદ નોંધાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
રાજકોટ ઉપલેટાના ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લાઠ, ભીમોરા સહિત ગ્રામ્યમાં અનરાધાર વરસાદ ખાબક્યો છે. લાઠ, કુઢેચ અને મજેઠીમા સાત ઈંચ વરસાદ પડતાં લોકોના ઘર પાણીમાં તણાઈ ગયા છે. લાઠ ભીમોરાનાં કોઝ વે ઉપર પાણી ફર્યા છે.
સુરતનો રાંદેર ખાતે આવેલો વીયરકમ કોઝવે બંધ કરાયો છે. કોઝવેનની સપાટી 6 મીટરે પહોંચતા આવન જાવન માટે બંધ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે 6 મીટરે કોઝવે ઓવરફ્લો થાય છે. નવા નીર આવતા કોઝવેની સપાટી 6 મીટર ઉપર પહોંચી છે. ઉકાઈ ડેમ અને સુરતમાં ગઈકાલે ભારે વરસાદ પડ્યો હતો.
જૂનાગઢના માણાવદરમાં ધોધમાર વરસાદ વરસતાં 15થી વધુ ગામો સંપર્ક વિહોણા થયા છે. જૂનાગઢ પોરબંદરનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. હાઇવે ઉપર પાણી આવી જતાં વાહનો ચક્કાજામ થયા છે. સરાડીયા પાસે વાહનોની લાંબી કતારો જોવા મળી છે. વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સુરતના વરાછામાં વર્ષો જૂનું ઝાડ ધરાશાયી થતાં ગીતાંજલિ વિસ્તારમાં એક સાઈડનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલી નડી રહી છે. તો શહેરમાં અનેક જગ્યાએ ઝાડ પડવાની ઘટના પણ સામે આવી છે. તો બીજી બાજુ સુરતના બારડોલીમાં મેઘ મહેર યથાવત છે. પટેલ નગરમાં જૂની દીવાલ ધરાશાયી થતાં દીવાલ પાછળ એક કાર પાર્ક કરી હતી જેને નુકસાન થયું છે. જોકે, દીવાલ પડતા કોઈ જાનહાનિ નથી.
નવસારી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે. ચીખલીમાં સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. અન્ય તાલુકાઓમાં પણ ઝરમર વરસાદ પડ્યો છે. ત્રણ ઈંચ વરસાદ પડતાં તંત્રની પ્રીમોન્સૂન કામગીરી ખુલ્લી પડી છે.
ભાવનગરના મહુવામાં સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. મહુવામાં 6 ઈંચ જેટલો વરસાદ વરસતાં લોકોને અવરજવાર કરવામાં ભારે તકલીફ ભોગવવી પડી રહી છે. પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વાતવરણ ઠંડુ, આહલાદક બની ગયું છે. ભાવનગર ગ્રામ્યમાં કુભણ, કોજળી, બોરડી, કાળેલા, રાજાવદર, બાંભણીયામાં પણ મેઘો મન મૂકીને વરસ્યો છે.
ગીરમાં બે ઇંચથી વધુ વરસાદ પડતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જૂનાગઢમાં મોડી રાત્રિથી મુશળધાર વરસાદ થયો છે. જીલ્લાનાં માણાવદરમાં માત્ર ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ પડ્યો છે. વંથલીમાં પાંચ ઇંચ, ભેંસાણ, વિસાવદર અને મેંદરડામાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે તો કેશોદ, માંગરોળ અને માળિયામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે. કેશોદમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે.
વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. વાપીમાં 5.16 ઈંચ વરસાદ વરસ્યો છે. હજુ પણ વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લામાં વરસેલ વરસાદનાં આંકડા- વલસાડ 4.4 ઇંચ, ધરમપુર 3.5 ઇંચ, વાપી 5.16 ઇંચ, ઉમરગામ 2 ઇંચ, પારડી 2 ઇંચ, કપરાડા 4.52 ઇંચ વરસાદ ખાબક્યો છે.
સુરત જીલ્લામાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. ઓલપાડમાં બીજે દિવસે 4.3 ઈંચ વરસાદ નોંધાયો છે. કોબા, ઠોઠબ, સોંદામીઠા, સરસાણા સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. સુરતના આ જીલ્લાઓમાં,
રાંદેર ૬.૦
કતારગામ ૫.૫
વરાછા એ ૪.૫
સેન્ટ્રલ ૪.૫
વરાછા બી ૪.૦
લિંબાયત ૩.૫
ઉધના ૩.૫
અઠવા ૨.૦
રાજકોટમાં જસદણનાં ગ્રામ્ય વિસ્તારમાં સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે. આટકોટ, સાણથલી, ભડલી સહિતના વિસ્તારોમાં પવન અને વીજળીનાં કડાકાભડાકા સાથે વરસાદ પડ્યો છે. એક થી દોઢ ઈંચ વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. આટકોટનાં ગાયત્રી નગરના તળાવમાં પાણીની આવક થઈ છે. તો બીજી બાજુ રાજકોટ-ભાવનગર હાઈવે પર પાણી ભરાતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. વડોદ, જીવાપર, પાંચવડા, જંગવડ, હીગોળગઠ, લીલાપુરમાં સારો વરસાદ પડ્યો છે.
અમરેલીના રાજુલામાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે. ડુંગર, કુંભારીયા, દેવકા, માંડળ, મોંરંગીમાં વરસાદ પડ્યો છે. કુંભારીયા ગામના ઝાપા વિસ્તારમાં પાણી ભરાતાં કુંભારીયાના ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાયા છે. જાફરાબાદ શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જાફરાબાદના લોર, ફાચરીયા, પીંછડી, હેમાળ, છેલણા, એભલવડ સહિતના ગ્રામ્યમાં વરસાદ ખાબક્યો છે. વાવણી લાયક વરસાદને લઇ ખેડૂતો ખુશ જોવા મળ્યા છે.
સવારથી મેઘરાજાએ ગુજરાતને ભીંજવી દીધું છે. ત્યારે રાજ્યનાં જુદા જુદા જીલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જૂનાગઢના માણાવદરમાં મોડી રાત્રે મુશળધાર વરસાદ વરસ્યો છે. જીવાદોરી સમાન રસલા ડેમ ઓવરફ્લો થતાં નદીનાં પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે. જુનાગઢમાં ગિરનાર પર્વત ઉપર ધોધમાર વરસાદ પડતાં દામોદર કુંડમાં ઘોડાપુર આવ્યું છે. 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. દામોદર કુંડ અને સોનરખ નદીમાં નવા નીર આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. જૂનાગઢમાં અવિરત વરસાદને કારણે મેઘલનદીમાં પૂર આવ્યું છે. માળીયાહાટીનામા તેમજ ગીરમાં ભારે વરસાદ પડ્યો છે. પૂરના પાણીમાં 5 ફૂટનું શિવલિંગ જળમગ્ન થઈ ગયું છે. માળીયાહાટીનામાં નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. નદીમાં પૂર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. મેઘલ નદી, લાઠોદરિયા, પાંદરવામાં નવા નીર આવ્યા છે.
સવારે 6 થી 10માં 40 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખંભાળિયામાં 5.5 ઇંચ, વિસાવદરમાં 4 ઇંચ, માણાવદરમાં 4 ઇંચ, જૂનાગઢના મેંદરડામાં 3.5 ઇંચ, કાલાવડમાં 3.5 ઇંચ, ધોરાજીમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે.
આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ
આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ
આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત