રાજકોટ,
રાજકોટમાં મહાનગરપાલીકા દ્વારા ગત વર્ષની માફક આ વર્ષે પણ ધનતેસરથી દિવાળી સુધી રેસકોર્સ રીંગરોડ ખાતે દિવાળી ઉત્સવનું આયોજન કરાયું છે, જે અંતર્ગત ચિત્રનગરીની ટીમના સહયોગથી રેસકોર્ષ રીંગરોડના 2.7 કીમીના વિસ્તારમાં રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 350થી વધુ પરિવારના નાના-મોટા 2500થી વધુ લોકોએ ભાગ લીધો હતો અને આ રંગીલા રાજકોટવાસીઓએ 3 હજાર કિલો ચિરોડીના રંગની મનમોહક રંગોળીઓ બનાવી હતી.
મહાનગરપાલીકા દ્વારા ગત વર્ષની માફક આ વર્ષે પણ તા.5 થી એટલે કે ધનતેસરથી તા.7 દિવાળી સુધી રેસકોર્સ રીંગરોડ ખાતે દિવાળી ઉત્સવનું આયોજન કરાયું છે.
જે અંતર્ગત ચિત્રનગરીની ટીમના સહયોગથી ગઈકાલે રેસકોર્ષ રીંગરોડના 2.7 કીમીના વિસ્તારમાં રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 350થી વધુ પરિવારના નાના-મોટા 2500થી વધુ લોકોએ ભાગ લીધો હતો. અને આ રંગીલા રાજકોટિયનોએ 3 હજાર કિલો ચિરોડીના રંગની મનમોહક રંગોળીઓ બનાવી હતી.
આ સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાને અનુક્રમે રૂા.15 હજાર, રૂા.10 હજાર અને રૂા.5 હજાર તેમજ રંગોળીના 20 કલાકારોને રૂપિયા 1000નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
સ્પર્ધામાં વિજેતાઓની પસંદગી માટે ભાવનગરથી નિર્ણાયકોને બોલાવવામાં આવ્યા હતા. અને મોડીરાત્રે વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજકોટિયનોએ ગતવર્ષે રેસકોર્સ રિંગ રોડ ફરતે 2.7 કિલોમીટર એરિયામાં 700 રંગોળીઓ દોરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો. જોકે આ વર્ષે મહાનગરપાલિકાને આર્થિક ખર્ચ પરવડે તેમ ન હોય દિવાળી કાર્નિવલ રદ કરી મર્યાદિત ખર્ચમાં 3 દિવસના દિવાળી ઉત્સવનું આયોજન કરી રંગબેરંગી રોશની, આતશબાજી તથા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.