અમદાવાદ: હિંદુઓના પવિત્ર અને પાવન ગણાતા એવા શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે બાર જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ એવા સોમનાથ મહાદેવ જયોતિર્લિંગના દર્શનાર્થે ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો.
આજથી પ્રારંભ થયેલા પવિત્ર શ્રાવણ મહિનાના પહેલા દિવસે પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું છે. મોટી સંખ્યામાં આવેલા શ્રદ્ધાળુઓએ વહેલી સવારે સોમનાથ મહાદેવની આરતીનો અનેરો લ્હાવો લીધો હતો. આજે રવિવાર હોવાથી મંદિર નિયત સમય કરતા બે કલાક વહેલું ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું.
મંદિરના દર્શનના સમયમાં કરાયો વધારો
સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને સોમનાથ મહાદેવ મંદિરના દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. જેના અંતર્ગત શ્રાવણ માસ દરમિયાન રવિવાર અને સોમવારના દિવસે મંદિર વહેલી સવારે ચાર વાગ્યે ખૂલ્લું મુકવામાં આવશે. જયારે મંગળવારથી શનિવાર સુધી વહેલી સવારે સાડા પાંચ વાગે મંદિર ખૂલશે. અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય દિવસો દરમિયાન મંદિર સવારે છ વાગ્યાથી દર્શન માટે ખૂલ્લું મૂકવામાં આવતું હતું.
સોમનાથ મંદિરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો
બાર જયોતિર્લિંગ પૈકીના પ્રથમ એવા સોમનાથ મહાદેવ માત્ર ગુજરાતમાં કે દેશમાં જ નહિ દેશ-વિદેશોમાં પણ પ્રસિદ્ધ છે. જેથી સોમનાથ દાદાના દર્શન માટે લોકો ગુજરાત જ નહિ પરંતુ દેશ-વિદેશથી પણ ભાવિકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે. પરંતુ શ્રાવણ માસમાં ભાવિક ભક્તોની સંખ્યામાં ભારે વધારો થતો હોય છે. જેના લીધે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ અને સુરક્ષા વિભાગ દ્વારા મંદિરની સુરક્ષાના કારણોસર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભગવાન શિવજીના પ્રિય એવા શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે, શિવ ભક્તોમાં શ્રાવણ માસને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે જ વહેલી સવારે પ્રથમ જયોતિર્લિંગ એવા ભગવાન સોમનાથ મહાદેવની આરતી અને દાદાના દર્શનની એક ઝલક મેળવવા માટે ભાવિક ભક્તોએ ભારે પડાપડી કરી હતી.
રોજ વિવિધ શૃંગાર થશે અને શિવકથાનું આયોજન
સૌરાષ્ટ્રમાં અરબી સમુદ્રના કિનારે બિરાજમાન સોમનાથ મહાદેવના દર્શન કરી શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો તો સોમનાથ ક્ષેત્ર પણ શ્રાવણ માસને લઇ શિવમય બન્યું છે. શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવને દરરોજ અલગ અલગ શૃંગારથી શણગારવામાં આવશે. તેમજ શ્રદ્ધાળુઓ માટે રોજ સાંજે 5 થી 6 શિવ કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે
સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ધીમે ધીમે સોમનાથ મહાદેવ મંદિરને સુવર્ણ જડિત કરવામાં આવી રહ્યું છે. સોમનાથ મંદિરનું સમગ્ર ગર્ભ ગૃહ સોના જડિત થયા બાદ હવે મંદિરના પિલ્લરોને સોનાથી મઢવામાં આવી રહ્યા છે. પીલ્લરો સોનાથી મઢિત કરાયા બાદ સમગ્ર સોમનાથ મહાદેવ મંદિર સુવર્ણ જડિત બની રહ્યું છે.