વડોદરામાં મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ વેન્ડર પોલીસીનો અમલ નહીં કરાતાં લારી ગલ્લા લગાવી રોજીરોટી મેળવનારાઓને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. શહેરનાં વાઘોડિયા રોડ વિસ્તારમાં તાજેતરમાં પાલિકાએ એક લારી હટાવતાં લારી ધારકે આપઘાત કરી લેતાં વિવાદ થયો છે.
વડોદરાનાં વારસિયા વિસ્તારમાં રહેતાં અને વાઘોડિયા રોડ વિસ્તારમાં ઉમા ચાર રસ્તા પાસે સેન્ડવીચની લારી ચલાવતાં ભરત જયસિંઘાનીએ તાજેતરમાં આત્મહત્યા કરી લીધી હતી. આક્ષેપ છે કે, પાલિકાની દબાણ શાખાની ટીમે તેની લારી હટાવતાં માનસિક તાણમાં આવી જઇ તેને આપઘાત કરી લીધો. હવે સ્ટ્રીટ વેન્ડર્સ એસોસિએશન યુવકની વ્હારે આવ્યું છે. સ્ટ્રીટ વેન્ડર્સ એસોસિએશન આ ઘટનાને સરકારની સ્ટ્રીટ વેન્ડર પોલીસી સાથે જોડતાં આક્ષેપ કર્યો છે કે, પાલિકા સત્તાધીશો પોલીસીનો અમલ નથી કરી રહ્યાં. જેને કારણે આ રીતે બેરોજગાર યુવાનોને અંતિમ પગલું ભરવાનો વારો આવી રહ્યો છે. યુવકનાં પરિવાર દ્વારા મ્યુ.કમિશ્નરને મળી વળતરની માંગણી કરવામાં આવી છે.
મહત્વનું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા મહાનગરોમાં સ્ટ્રીટ વેન્ડર્સ પોલીસીનું સુવ્યવસ્થિત અમલીકરણ થાય તે માટે ગાઇડલાઇન તૈયાર કરી તેનો અમલ કરવા મહાનગર પાલિકાઓને આદેશ પણ કર્યા છે. પણ રાજ્યનાં અન્ય મહાનગરોની માફક વડોદરા મહાનગર પાલિકા પણ તેનો માત્ર કાગળ પર જ અમલ કરી રહ્યું છે. જેને કારણે શહેરમાં આજે પણ લારી ગલ્લાઓ તેમજ ટ્રાફિકની સમસ્યા ‘જૈસે થે’ જ છે.