સાબરકાંઠાના ઢૂંઢર ગામે 14 માસની બાળકી પર થયેલા દુષ્કર્મના વિરોધમાં ઠાકોર સેના દ્વારા ઠેર-ઠેર ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આમાં પરપ્રાંતીય લોકો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.
મહેસાણાના ઇન્દ્રાડ ગામે પરપ્રાંતીય લોકોની કોલોનીને ઠાકોર સેના દ્વારા ટાર્ગેટ કરવામાં આવી હતી. જેમાં 100થી 150 લોકોના ટોળાએ કોલોનીમાં તોડફોડ કરી હતી, તેમજ પરપ્રાંતીય લોકોને માર પણ મારવામાં આવ્યો હતો. જેમાંના કેટલાક લોકો જીવ બચાવવા કોલોની છોડીને નાસી ગયા હતા. જયારે મજૂરી કરીને જીવતા ગરીબ માણસોએ પૈસા ન હોવાના કારણે ભયના માહોલ વચ્ચે ઘરમાં જ સંતાઈને જીવ બચાવ્યો હતો.
પોતાના ઘર અને ઘરવખરીને નુકસાન થવાથી, હાલ ગરીબ લોકો ભૂખ્યા તરસ્યા ભયના માહોલ વચ્ચે પોતાની ઓરડીમાં સંતાઈ રહેવા મજબૂર બન્યા છે.
આ ઘટના અંગે પોલીસને જાણ થતા, ડીવાયએસપી નંદાસણ મહેસાણા અને કડી પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચી ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ટોળું બેકાબુ બનતા, પોલીસે 15 જેટલા ટિયરગેસ સેલ છોડીને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો.
આ મામલે પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.