અમદાવાદ: અમદાવાદ સહીત રાજ્યના અનેક શહેરોમાં જૂના અને જર્જરિત મકાનો હજુ પણ જોવા મળી રહ્યા છે. ત્યારે આ સંજોગોમાં રાજ્યના મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં અને જામનગર શહેરમાં મકાન ધરાશાયી થવાની ઘટના બની છે. જેમાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે જયારે એક વ્યક્તિ ઘાયલ થઈ છે.
અમદાવાદ સહીત રાજ્યના તમામ શહેર અને ગામમાં જૂના માટીના કાચા અને જર્જરિત મકાનો હજુ પણ ટકેલા જોવા મળે છે. પરંતુ આવા જૂના મકાનો ક્યારેક દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. ખાસ કરીને ચોમાસાની સિઝનમાં માટીના કાચા એવા જૂના મકાન ધરાશાયી થવાની સંભાવના વધી જાય છે, અને અવાર-નવાર દુર્ઘટનાઓ સર્જાય છે. રાજ્યમાં બે અલગ-અલગ જગ્યાએ મકાન ધરાશાયી થવાની ઘટનાની વિગતો સામે આવી છે. જેમાં મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં કાટમાળ નીચે દટાઈ જતાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે, જયારે જામનગરમાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે
બાલાસિનોરના જેઠાળી ગામે મામા-ભાણેજના મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, મહિસાગર જિલ્લાના બાલાસિનોરના જેઠાલી ગામે એક મકાન ધરાશાયી થવાની ઘટના બની હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. જેમાં કાટમાળની નીચે દટાઈ જવાથી બે વ્યક્તિના મોત નિપજ્યા છે. આ ઘટના રવિવારે વહેલી સવાર બની છે. જેમાં એક જૂનું અને જર્જરિત મકાન અચાનક ધરાશાયી થયું હતું. જેના કારણે મકાનમાં જ ઉંઘી રહેલા મામા અને ભાણેજ મકાનના કાટમાળની નીચે દબાઈ ગયા હતા.
આ મકાન ધરાશાયી થવાનો અવાજ એટલો જોરદાર હતો કે, આજુ બાજુમાં રહેતા પાડોસીઓ પણ ભર ઊંઘમાંથી ઉઠી ગયા હતા. આ ઘટનાની જાણ કરવામાં આવતાની સાથે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તુરત જ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી હતી અને મકાનમાં કાટમાળને હટાવીને નીચે દટાયેલા મામા-ભાણેજને બહાર કાઢ્યા હતા. કાટમાળ નીચેથી બહાર કાઢયા બાદ બંનેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જોકે તેઓ હોસ્પિટલ પહોંચે તે અગાઉ જ તેમના મોત નીપજ્યા હતા.
જામનગરમાં મકાન ધરાશાયી થતાં મહિલાને ઈજા
જયારે બીજી તરફ જામનગર શહેરમાં પણ મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જામનગર શહેરના મઠફળી વિસ્તારમાં એક મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. આ ઘટના પણ રવિવારે વહેલી સવારે બનવા પામી હતી. આ ઘટનામાં મકાનના કાટમાળ નીચે એક મહિલા દટાઈ ગઈ હતી. જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ બંને ઘટનાઓ અંગે વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે.