Gujarat માં શનિવાર રાતથી રવિવારે સવાર સુધીમાં લક્ઝરી બસના અકસ્માતની બે મોટી ઘટના બની છે જેમાં કુલ છ વ્યક્તિના મોત નીપજ્યા છે જયારે ૪૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં જૂનાગઢમાં શનિવારે મોડી રાત્રે બનેલી અકસ્માતની ઘટનામાં ચાર વ્યક્તિના મોત નીપજ્યા છે જ્યારે 25થી વધુ ઘાયલ થયા છે. આ ઘટનાની જાણ થતાં જૂનાગઢ તાલુકા પોલીસ વાન ઘટના સ્થળે આવી હતી. ત્યારે આ પોલીસ વાનને અન્ય એક ટ્રકે ટક્કર મારતા ત્રણ પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા જ્યારે અન્ય એક પ્રવાસીનું ઘટના સ્થળે મોત થયું હતું. ઘાયલ લોકોને 108ની મદદથી હોસ્પિટલ ખસેડાયા છે. આ ઉપરાંત સુરતમાં લક્ઝરી બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બેના મોત અને ૧૫ થી વધુ લોકો ઘાયલ થયા હતા.
ટ્રક અને ટ્રાવેલ્સ વચ્ચેના અકસ્માતમાં ત્રણના મોત, 25 ઘાયલ
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢ-જેતપુર હાઇવે ઉપર પરવડીના પાટીયા પાસે શનિવારે મધરાતે ત્રણ વાગ્યાના સુમારે ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં રાજકોટથી જૂનાગઢ આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ હાઇવેની બાજુમાં ઊભેલી ટ્રકની સાથે પાછળથી અથડાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા છે.
પાંચ 108 એમ્બ્યુલન્સને બોલાવાઈ
આ અકસ્માતની ઘટનામાં 25 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં ઘવાયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવા માટે પાંચ જેટલી 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી.
17 ને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
સૂત્રોએ જણાવ્યું હતું કે, ૧૭ ઘાયલોને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને બીજી હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરાયા છે. પોલીસે મૃતકના મૃતદેહોના પોસ્ટમોર્ટમની કામગીરી હાથ ધરી હતી.
પંચનામું કરવા આવેલી પોલીસ વાનને પણ ટ્રકે મારી ટક્કર
જૂનાગઢ તાલુકા પોલીસના જણાવ્યા મુજબ જૂનાગઢ પાસે ટ્રક અને ખાનગી ટ્રાવેલ્સ બસના અકસ્માતની જાણ થતાં જૂનાગઢ તાલુકા પોલીસની પોલીસ વાન પંચનામું કરવા માટે ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, હાઇવે ઉપર ઉભેલી પોલીસ વાનને અન્ય ટ્રક ચાલકે ટક્કર મારી દીધી હતી. જેથી તે ફંગોળાઇને રોડની બાજુના ખાડામાં ઉતરી ગઇ હતી. આ ઘટનાના પગલે ત્રણ પોલીસ કર્મચારીઓને ઇજાઓ પહોંચી હતી. જે પૈકી એક કર્મચારીની હાલત ગંભીર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ ઘટનામાં એક પ્રવાસીનું પણ મોત થયું હોવાનું પણ જાણવા મળ્યું છે.
સુરત પાસે કન્ટેનર-લક્ઝરી બસ વચ્ચે અકસ્માત, બેનાં મોત, 15થી વધુને ઇજા
પ્રાપ્ત માહિતી પ્રમાણે રવિવારે સવારે સુરત શહેરના કિમ ચાર રસ્તા નજીક કન્ટેનર અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે. જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘવાયેલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના પગલે હાઇવે ઉપર ટ્રાફિકના દ્રશ્યો પણ સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચીને સ્થિતિને સંભાળી હતી. જ્યારે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ મોકલવા માટે કામગીરી હાથધરી છે.